મહિસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા નજીક પ્રસ્તાવિત બાયપાસ રોડ પ્રોજેકટમાં ખેડુતોની જમીન સરકાર દ્વારા સંપાદિત કરવાની હિલચાલને પગલે સ્થાનિક ખેડુતોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. ખેડુતોના એક પ્રતિનિધિ મંડળે ભેગા મળીને જિલ્લા કલેકટર તેમજ જમીન સંપાદન અધિકારીને બમાં એક લેખિત વાંધા અરજી સુપરત કરી હતી. અને ખેડુતોએ ન્યાયિક રજુઆતો તંત્ર સમક્ષ મુકી હતી.
ખેડુતોએ વહીવટી તંત્ર સામે ગંભીર આક્ષેપ કરતા જણાવ્યુ હતુ કે, જમીન સંપાદન કરતા પહેલા સ્થાનિક ખેડુતોનો પક્ષ સાંભળવામાં આવ્યો નથી. અને તેમને વિશ્ર્વાસમાં લીધા વિના જ બારોબાર નિર્ણયો કરી લેવામાં આવ્યો છે. વળી, જમીન માટે જે વળતર નકકી કરવામાં આવ્યુ છે તે ખુબ જ ઓછુ છે. જેના કારણે ખેડુતોમાં ભારે નારાજગી છે. ખેડુતોની સ્પષ્ટ માંગ છે કે, જમીનનુ વળતર વર્તમાન સમયની બજાર કિંમત મુજબ અને કાયદેસરના યોગ્ય ભાવ પ્રમાણે જ ચુકવવામાં આવે. આ ઉપરાંત બાયપાસ રોડના કારણે કિંમતી ખેતીની જમીનોનો નાશ ન થાય તે માટે લુણાવાડામાં બાયપાસ રોડ બનાવવાના બદલે ઓવરબ્રિજ બનાવવામાં આવે તેવી વૈકલ્પિક માંગ પણ ખેડુતો દ્વારા ઉઠાવવામાં આવી છે. તેમજ ધણા નાના ખેડુતો પાસે ખુબ જ ટુંકી જમીન આવેલી છે. જો આ જમીન પણ સંપાદનમાં જતી રહેશે તો કેટલાક ખેડુતો સાવ જમીન વિહોણા બની જશે. અને ભવિષ્યમાં તેમનુ ખેડુત તરીકેનુ અસ્તિત્વ તેમજ રોજીરોટી છીનવાઈ જશે. ખેડુતોએ વહીવટી તંત્રને સ્પષ્ટ ચેતવણી આપી છે કે, જયાં સુધી વર્તમાન બજાર ભાવ મુજબ યોગ્ય વળતર નકકી ન થાય અને ખેડુતો સાથે યોગ્ય ન્યાય ન થાય, ત્યાં સુધી જમીન સંપાદનની આગળની કોઈપણ કાયદેસરની કાર્યવાહી કરવી નહિ. જો ખેડુતોની આ ન્યાયિક રજુઆતો અને વાંધાઓને ધ્યાને લીધા વિના જ જમીન સંપાદન કરવાની એકતરફી કોશિષ કરાશે તો આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી છે.