લુણાવાડાની બ્રાન્ચ-૫ પ્રા.શાળામાં બે વિદ્યાર્થીઓને માર મારનાર શિક્ષકને સસ્પેન્ડ કરાયો

લુણાવાડાની બ્રાન્ચ-૫ પ્રા.શાળામાં માસુમ વિદ્યાર્થીઓ પર અત્યાચાર ગુજારવાના ગંભીર પ્રકરણમાં રોજ નવા વળાંકો આવી રહ્યા છે. ધો.-૫માં અભ્યાસ કરતો વિદ્યાર્થી લેસન પુ‚ ન લાવી શકતા શિક્ષક રિયાઝ દાવલ દ્વારા અતિ ક્રુરતા દાખવવામાં આવી હોવાના મામલે ખળભળાટ મચી ગયો હતો. પીડિત બાળકે શરૂ આતમાં આપવિતી જણાવતા દાવો કર્યો હતો કે, શિક્ષકે ડ્રીલ મશીનથી કમરના ભાગે ગંભીર ઈજા પહોંચાડી હતી. આ ગંભીર ધટના બાદ શિક્ષણ વિભાગે કસુરવાર શિક્ષક રિયાઝ દાવલને સસ્પેન્ડ તો કરી દીધા છે પરંતુ આ સમગ્ર કેસમાં વાલીઓના શંકાસ્પદ રીતે બદલાયેલા નિવેદનો અને શિક્ષણ વિભાગની ભુમિકા શંકાના ઘેરામાં આવી ગઈ છે.

આ ધટનાનો સોૈથી મોટો અને ચોૈંકાવનારો સવાલ એ છે કે, ધટનાના પહેલા જ દિવસે વાલી અને માસુમ બાળકે મીડિયા અને સોશિયલ મીડિયા સમક્ષ ખુલ્લેઆમ ન્યાયની માંગ કરી અને સ્પષ્ટ આક્ષેપ કર્યો કે, શિક્ષકે ડ્રીલ મશીનથી કમરના ભાગે કાણું પાડવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આશ્ર્ચર્યજનક રીતે માત્ર બીજા જ દિવસે વાલીઓના સુર એકદમ બદલાઈ ગયા હતા. અગાઉ ડ્રીલ મશીનથી હુમલો કર્યાનુ રટણ કરનાર વાલીઓએ અચાનક પોતાના નિવેદનો ફેરવી તોળીને શિક્ષકના હાથની વિંટી વાગી ગઈ હતી. તેવુ નિવેદન આપવાનુ શ‚ કરી દીધુ હતુ. વાલીઓ દ્વારા અગાઉ ન્યાયની માંગ કર્યા બાદ રાતોરાત આ પ્રકારે નિવેદન બદલી નાંખવુ તે કોઈ દબાણ, સમાધાન કે ભીનુ સંકેલવાના પ્રયાસો તરફ સીધો ઈશારો કરી રહ્યુ છે. આ વિવાદાસ્પદ તપાસ અને નિવેદનબાજી વચ્ચે બ્રાન્ચ-૫ શાળાનો વધુ એક કાળો અધ્યાય બહાર આવ્યો છે. આ જ શાળામાં અગાઉ પણ અન્ય એક વિદ્યાર્થીને આ જ રીતે માર મારવામાં આવ્યો હોવાની ગંભીર વિગતો અને વીડિયો પ્રકાશમાં આવ્યો છે. એક જ શાળામાં વિદ્યાર્થીઓ પર અત્યાચારના બે-બે કિસ્સાઓ સામે આવવા છતાં અને શિક્ષકની વિકૃત માનસિકતા છતી થવા છતાં વાલીના બદલાતા નિવેદનોથી તપાસની દિશા બદલવાનો ખેલ ભારે ચર્ચાનો વિષય બન્યો છે.