લુણાવાડા નગરમાં ગો-ગો કોન વેચતો દુકાનદારને LCBએ ઝડપ્યો

મહીસાગર જીલ્લા પોલીસ વડા સફીન હસન દ્વારા ‘નશામુક્ત ગુજરાત અભિયાન’ને સાર્થક બનાવવા માટે પ્રતિબંધીત ગો-ગો કોન અને રોલીંગ પેપરનું વેચાણ કરતા ઇસમો વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા પોલીસને સૂચના આપવામાં આવી હતી. આ સૂચનાના અનુસંધાને એલ.સી.બી. પીઆઇ એમ.કે. ખાંટ દ્વારા એલ.સી.બી. સ્ટાફના માણસોની અલગ-અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરવામાં આવી રહી હતી.

આ દરમિયાન, એલ.સી.બી. ટીમ દ્વારા લુણાવાડા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં રોલીંગ પેપર, ગો-ગો સ્મોકીંગ કોન અને પરફેક્ટ રોલ જેવી વસ્તુઓનું વેચાણ કરતા પાન-પાર્લરોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ચેકિંગ દરમિયાન, પોલીસને બાતમી મળી હતી કે લુણાવાડા આંબેડકર ચોકની બાજુમાં આવેલી લોખંડની કેબિનમાં ધારક રોલીંગ પેપર્સ, ગો-ગો સ્મોકીંગ કોન અને પરફેક્ટ રોલનું મટીરીયલ વેચે છે.

બાતમીના આધારે, પોલીસે તે જગ્યાએ જઈ તપાસ કરતા એક ઇસમ મળી આવ્યો હતો. તેણે પોતાનું નામ આફ્રીદી મોહમદ હનિફ અબ્બાસી, ધંધો વેપાર, રહેવાસી બેડા ફળિયું, લુણાવાડા, મહીસાગર જણાવ્યું હતું.

આ ઇસમની દુકાનમાં તપાસ કરતા, પોલીસને 1 નંગ ગો-ગો સ્મોકીંગ કોન (કિંમત રૂ. 10), 118 નંગ રોલીંગ પેપર્સ (કિંમત રૂ. 1180) અને 1 નંગ ફિલ્ટર (કિંમત રૂ. 10) મળી આવ્યા હતા. આમ, કુલ રૂ. 1200/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આફ્રીદી મોહમદ હનિફ અબ્બાસી જાહેરનામાનો ભંગ કરી પ્રતિબંધીત ચીજવસ્તુઓનું વેચાણ કરતો મળી આવતા, તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.