
ગાંધી ચોક યુવક મંડળે ફટાકડાનો ખર્ચ બચાવી બાળકોને ભોજન કરાવ્યું.
છોટાઉદેપુર જીલ્લાના કવાંટ નગરમાં ગણેશ ઉત્સવની શઆત થઈ ગઈ છે. નગરના ગાંધી ચોક યુવક મંડળ દ્વારા સ્થાપિત ગણપતિ બાપ્પાનું ગત રાત્રે આગમન થયું હતું. આ વર્ષે મંડળે ફટાકડા પાછળ પૈસા ખર્ચવાને બદલે અનાથ બાળકોને ભોજન કરાવવાનો અને તેમના હસ્તે પ્રથમ આરતી કરાવવાનો પ્રેરણાદાયી નિર્ણય લીધો.

આ નિર્ણય અંતર્ગત, કવાંટ તાલુકાના હમીરપુરા ગામે આવેલા તેરલ અનાથ આશ્રમના બાળકોને ખાસ આમંત્રણ આપવામાં આવ્યું હતું. આશ્રમના નાના બાળકોના હસ્તે ગણપતિ બાપ્પાની પ્રથમ આરતી ઉતારવામાં આવી. ત્યારબાદ તમામ બાળકોને પ્રેમથી ભોજન પ્રસાદી કરાવવામાં આવી હતી.
મંડળના યુવકોએ જણાવ્યું કે, “ફટાકડા ફોડીને પૈસા બરબાદ કરવા કરતાં જો આવા અનાથ બાળકોને એક ટંકનું ભોજન કરાવીએ અને તેમના ચહેરા પર સ્મિત લાવીએ તો એ જ સાચી ગણપતિ સેવા છે.
આ પ્રસંગે મંડળ દ્વારા ગણપતિ બાપ્પાને પ્રાર્થના કરવામાં આવી કે આ અનાથ બાળકો ખૂબ ભણી-ગણીને આગળ વધે અને આત્મનિર્ભર બને. ગાંધી ચોક યુવક મંડળના આ સેવાકીય કાર્યની કવાંટ નગરમાં ખૂબ પ્રશંસા થઈ રહી છે. આ યુવકોએ ભક્તિની સાથે સેવાનો સમન્વય કરીને સાચો ઉત્સવ ઉજવ્યો છે.