કાલોલના બાકરોલ નજીક દિલ્હી-મુંબઈ નેશનલ કોરિડોર પર અકસ્માતમાં કાર ચાલકનુ મોત

દિલ્હી-મુંબઇ નેશનલ કોરિડોર પૈકી વડોદરા-ગોધરા કોરિડોરને હાલ ટ્રાયલ બેઝ પર ખુલ્લો મુકવામાં આવ્યા પછી અવાર નવાર અકસ્માતો સર્જાઈ રહ્યા છે. જે મધ્યે કાલોલ તાલુકાના બાકરોલ નજીક વધુ એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં અંકલેશ્ર્વરના બે યુવકો તેમની હ્યુન્ડાઈ કાર લઈને ઉજજૈન મહાકાલેશ્ર્વરના દર્શને જઈ રહ્યા હતા. ત્યારે કોઇ અજાણ્યા વાહને ટકકર મારતા કાર ચાલક યુવકનુ ધટના સ્થળે જ મોત નીપજયું હતુ. જયારે તેના સાથી મિત્રનો આબાદ બચાવ થયો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્ર્વર જીઆઈડીસી વિસ્તારમાં રહેતા કલ્પેશભાઈ પ્રફુલભાઈ ભાનુશાલી(ઉ.વ.૩૨)તથા તેમના મિત્ર દિપ મહેશભાઈ પટેલ(ઉ.વ.૩૧)બંને રાત્રિના સમયે અંકલેશ્ર્વરથી તેમની હ્યુન્ડાઈ વર્ના કાર લઈને ઉજજૈન મહાકાલેશ્ર્વરના દર્શને જવા નીકળ્યા હતા. તે સમયે કાર દિપભાઈ પટેલ ચલાવી રહ્યા હતા. અને મોડીરાતે પોણા બે વાગ્યાના અરસામાં કાર દિલ્હી-મુંબઈ હાઈવે સ્થિત બાકરોલ ગામ નજીકથી પસાર થઈ રહી હતી. ત્યારે પાછળથી આવેલા કોઈ અજાણ્યા વાહને તેમની કારને જોરદાર ટકકર મારી હતી. અકસ્માતમાં ડ્રાઈવર સાઈડના ભાગે વાગેલી ટકકરના કારણે ડ્રાઈવર દિપ મહેશભાઈ પટેલને માથા તેમજ શરીરના ભાગે ગંભીર ઈજાઓ થતાં તેઓ બેભાન થઈ ગયા હતા. જોકે અકસ્માત થતાં આસપાસના ગ્રામજનો સ્થળ પર દોડી આવ્યા હતા. અને એમ્બ્યુલન્સને જાણ કરતા ધટના સ્થળે એમ્બ્યુલન્સ આવી જતાં ઈજાગ્રસ્તોની તપાસ કરતા તબીબે દિપભાઈ પટેલને મૃત જાહેર કર્યા હતા. જે અકસ્માત ધટના અંગે કાલોલ પોલીસને જાણ કરાતા પોલીસે મૃતદેહને પી.એમ.અર્થે કાલોલ રેફર હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. અકસ્માતની ધટનામાં બચી ગયેલા કલ્પેશભાઈ ભાનુશાલીએ કાલોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ બાબચે ફરિયાદ નોંધી આગળ તપાસ હાથ ધરી હતી.