મહિસાગર જિલ્લાના વિરપુર કોર્ટ પરીસરમાં તાલુકા કાનુની સેવા સમિતિ, વિરપુર દ્વારા નેશનલ લોક અદાલતનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. ગુજરાત રાજય કાનુની સેવા સત્તા મંડળ, અમદાવાદના આદેશ તેમજ જિલ્લા કાનુની સેવા સત્તા મંડળના ચેરમેનના માર્ગદર્શન હેઠળ યોજાયેલી લોક અદાલતમાં મોટી સંખ્યામાં કેસોના સમાધાનના માધ્યમથી નિકાલ કરાયો હતો.
તાલુકા કાનુની સેવા સમિતિ, વિરપુરના ચેરમેન એસ.એલ.રબારીની અધ્યક્ષતામાં યોજાયેલી નેશનલ લોક અદાલતમાં વિવિધ પ્રકારના સમાધાનપાત્ર કેસોમાં બંને પક્ષકારોની પરસ્પર સંમંત્તિથી કુલ ૧૫૫ કેસોનો એક જ દિવસમાં નિકાલ કરાયો હતો. લોક અદાલતમાં ફોજદારી સમાધાનપાત્ર કેસ, ચેક રિટર્નના કેસ, બેંક રિકવરી તથા લોન વસુલાતના પિ-લિટિગેશન કેસ, દિવાની અને મહેસુલી વિવાદો, ઉપરાંત ભરણ પોષણ તથા કોૈટુંબિક વિવાદો સહિતના કેસોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. લોક અદાલતના સફળ આયોજનથી અનેક પક્ષકારોને ઝડપી ન્યાય અને વિવાદોના સરળ નિરાકરણનો લાભ મળ્યો હતો.