
ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રનો આજથી પ્રારંભ થયો છે.આમ આદમી પાર્ટીના ધારાસભ્યો ગોપાલ ઈટાલિયા અને ચૈતર વસાવા ‘ટ્રેડ ડિલ હટાવો, કિસાન બચાવો’ લખેલા પોસ્ટર સાથે વિધાનસભા પહોંચતા રાજકીય માહોલ ઉભો થયો હતો સત્રના પ્રારંભે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ આશરે ૨૧ મિનિટ સુધી ગૃહને સંબોધિત કર્યું. પોતાના પ્રવચનમાં તેમણે રાજ્ય સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ, કૃષિ ક્ષેત્રમાં સુધારા, ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ અને ગરીબ કલ્યાણ માટેના પ્રયાસોની વિગત આપી. રાજ્યના સર્વાંગી વિકાસ માટે સરકાર પ્રતિબદ્ધ હોવાનું તેમણે પુનરોચ્ચાર કર્યો.
રાજ્યપાલના ભાષણ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્યોએ ‘ખેડૂતોનું દેવું માફ કરો’ના સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો. ખેડૂતોના પ્રશ્નોને કેન્દ્રમાં રાખી સરકારે સ્પષ્ટ વલણ અપનાવવું જાઈએ એવી માંગ ઉઠાવવામાં આવી. તેના જવાબમાં ભાજપના સભ્યોએ પાટલીઓ ખખડાવી વિરોધનો પ્રતિસાદ આપ્યો. જેના કારણે ગૃહમાં થોડા સમય માટે તણાવપૂર્ણ પરિસ્થિતિ સર્જાઈ. ભાષણ પૂરું થતાં રાજ્યપાલે તમામ સભ્યોનો આભાર વ્યક્ત કર્યો. વિરોધ વચ્ચે પણ કોંગ્રેસના સભ્યોનો બે વખત આભાર માની તેમણે સંસદીય પરંપરાનું પાલન કરવાનો સંદેશ આપ્યો. હવે વિધાનસભાનું બજેટ સત્ર નિર્ધારિત કાર્યસૂચિ મુજબ આગળ વધશે.
ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના પ્રથમ દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગૃહમાં સ્વર્ગસ્થ પૂર્વ સભ્યોના માનમાં શોકદર્શક ઉલ્લેખ રજૂ કરીને શ્રદ્ધાંજલિ અર્પી હતી. જેમાં પૂર્વ મંત્રી મનસુખ જાશી અને મહોમ્મદ સૂરતી ઉપરાંત પૂર્વ ધારાસભ્ય ધીરજલાલ રીબડીયા ,અમરસિંહ વસાવા, વજૂભાઈ ડોડીયા તથા બાવનજી મોકલાયાના અવસાન બદલ ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી. વિપક્ષી સભ્યોએ પણ આ શોકદર્શક ઉલ્લેખને ટેકો આપ્યો હતો અને સમગ્ર ગૃહે સ્વર્ગસ્થ વિભૂતિઓના માનમાં બે મિનિટનું મૌન પાળીને તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
વિધાનસભા સત્રના પ્રથમ જ દિવસે આમ આદમી પાર્ટીના ધારાસભ્યોએ બેનરો સાથે વિરોધ નોંધાવ્યો હતો. અમેરિકા સાથેની પ્રસ્તાવિત ટ્રેડ ડીલ ખેડૂતો અને દૂધ ઉત્પાદકો માટે નુકસાનકારક સાબિત થશે, એવો આક્ષેપ કરતા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ નિવેદન આપ્યું છે. ખેડૂતો અને દૂધ ઉત્પાદકોના હિતની રક્ષા કરવાની માંગ સાથે સત્રની શરૂઆતમાં જ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું કે આ ટ્રેડ ડીલ અમલમાં આવશે તો અમેરિકાના ખેત ઉત્પાદનો અને દૂધ ભારતમાં સસ્તા ભાવે મળશે અને આવા ઉત્પાદનો પર ભારત ટેક્સ પણ નહીં લગાડે. જેના કારણે સ્થાનિક ખેડૂતો અને દૂધ ઉત્પાદકોને ભારે આર્થિક ફટકો પડશે.
વિસાવદર વિધાનસભાથી આમ આદમી પાર્ટીના ધારસભ્ય ગોપાલ ઈટાલિયાએ, માંગ કરી કે ખેડૂતોના હિતમાં આ ટ્રેડ ડીલ તાત્કાલિક રદ કરવી જાઈએ. આ મુદ્દે રાજ્યપાલને આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ પણ યોજાયો હતો. રાજ્યપાલ પાસે ચાર વખત મળવાનો સમય માંગવામાં આવ્યો છે, છતાં હજુ સુધી સમય ફાળવવામાં આવ્યો નથી, એવો આક્ષેપ તેમણે કર્યો.
ગોપાલ ઇટાલિયાએ વધુમાં જણાવ્યું કે ટ્રેડ ડીલ રદ કરવાનો પ્રસ્તાવ વિધાનસભામાં લાવવામાં આવે અને આ મુદ્દે ખુલ્લી અને પારદર્શક ચર્ચા કરવામાં આવે. ઉપાધ્યક્ષની ચૂંટણી મુદ્દે પોતાનું સ્ટેન્ડ સ્પષ્ટ કરતાં તેમણે કહ્યું કે, આમ આદમી પાર્ટી ઉપાધ્યક્ષ પદની ચૂંટણીમાં ભાગ નહીં લે અને ચૂંટણીથી દૂર રહેશે.હવે આ મુદ્દે સરકારની પ્રતિક્રિયા અને વિધાનસભાની અંદરની ચર્ચાઓ પર રાજકીય વર્તુળોની નજર ટકી છે.