બોડેલી તાલુકામાં તલાટીઓની હડતાળને લઈ રેવન્યુ કામકાજ ખોરવાયુ

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકામાં તલાટી કમ મંત્રીની હડતાળને ૪૫ દિવસ પુર્ણ થતાં ગ્રામ્ય કક્ષાના રેવન્યુ અને વહીવટી કામકાજ પર તેની અસર જોવા મળી રહી છે. તલાટી કમ મંત્રી તથા રેવન્યુ તલાટી વચ્ચેના વિવાદોના કારણે વિવિધ કામગીરી અટવાતા સામાન્ય લોકોની મુશ્કેલી વધી છે. જાતિના દાખલા સહિતના જ‚રી પ્રમાણપત્રો, રેવન્યુ સંબંધિત કામગીરી અને અન્ય સરકારી કામો માટે લોકોને કચેરીઓના ધકકા ખાવા પડી રહ્યા છે. ખાસ કરીને વિદ્યાર્થીઓને શૈક્ષણિક પ્રવેશ, સરકારી યોજનાઓ, શિષ્યવૃત્તિ સહિતની કામગીરી માટે જ‚રી જાતિના દાખલા મેળવવામાં વિલંબ થવાની સ્થિતિ સર્જાતા તેમના ભવિષ્યને લઈને વાલીઓમાં ચિંતા જોવા મળી રહી છે. હડતાળ અને કર્મચારીઓ વચ્ચેનો વિવાદનો સીધો ભોગ સામાન્ય પ્રજા બની રહી છે. સરકાર દ્વારા તલાટી કમ મંત્રી અને રેવન્યુ તલાટી વચ્ચેના વિવાદોનો વહેલી તકે ઉકેલ લાવી હડતાળ સમેટવામાં આવે અને સામાન્ય લોકો તથા વિદ્યાર્થીઓની કામગીરી ફરીથી નિયમિત કરવામાં આવે તેવી લોકોની માંગ ઉઠી છે.