
બાલાસિનોર: બાલાસિનોર શહેરમાં વહીવટી તંત્ર દ્વારા ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરીનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. શહેરના વિવિધ વિસ્તારોમાં જાહેર માર્ગો તથા સરકારી જમીન પર થયેલા કાચા-પાકા દબાણો સામે તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, બાલાસિનોર શહેરમાં અંદાજે 1 હજારથી વધુ દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે. કામગીરીના પ્રારંભ સાથે જ તંત્ર દ્વારા દબાણો દૂર કરવા માટે બુલડોઝરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
જાહેર માર્ગો પર તેમજ સરકારી જમીન પર થયેલા દબાણોના કારણે લોકોને અવરજવરમાં મુશ્કેલી પડતી હોવાના મુદ્દે તંત્ર દ્વારા દબાણો હટાવવાની કાર્યવાહી હાથ ધરાઈ હોવાનું જાણવા મળે છે. દબાણો દૂર થયા બાદ રસ્તાઓ વધુ ખુલ્લા અને વ્યવસ્થિત બનશે તેવી અપેક્ષા છે.
તંત્રની કાર્યવાહી શરૂ થતાં જ દબાણકર્તાઓમાં ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે. આગામી દિવસોમાં પણ શહેરના વિવિધ વિસ્તારોમાં દબાણ હટાવવાની કામગીરી ચાલુ રહેવાની શક્યતા છે.
તંત્ર દ્વારા દબાણો સામે હાથ ધરાયેલી આ કાર્યવાહી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જરૂરી તકેદારી રાખવામાં આવી રહી છે. શહેરમાં લાંબા સમયથી રહેલા ગેરકાયદેસર દબાણો દૂર થતાં જાહેર માર્ગો અને સરકારી જમીન ખુલ્લી થવાની શક્યતા છે.