આંગણવાડી કર્મચારી મહાસંઘની વિવિધ પડતર માંગણીને લઈ રેલી યોજી પંચમહાલ કલેકટરને આવેદન આપ્યું

ભારતીય આંગણવાડી કર્મચારી મહાસંઘ દ્વારા ગોધરા ખાતે એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. પોતાની વિવિધ પડતર માંગણીઓના ઉકેલ માટે આંગણવાડી વર્કર અને હેલ્પર બહેનોએ જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું હતું.

આ રેલી જીલ્લા કલેક્ટર કચેરી, સેવા સદન ખાતે પહોંચી હતી. રેલી દરમિયાન આંગણવાડી બહેનોએ પ્લે કાર્ડ સાથે પોતાની માંગણીઓને લઈને સુત્રોચ્ચાર કર્યા હતા.

આવેદનપત્રમાં મુખ્યત્વે બાળકોને અપાતા ગરમ નાસ્તાના બિલોના દરમાં મોંઘવારીને ધ્યાને રાખી વધારો કરવાની માંગ કરવામાં આવી છે. આ ઉપરાંત, આંગણવાડી કેન્દ્રો માટે ગેસના સિલિન્ડર કેન્દ્ર પર જ સરળતાથી ઉપલબ્ધ થાય તેવી વ્યવસ્થા ગોઠવવા રજૂઆત કરાઈ હતી.

અન્ય માંગણીઓમાં સિનિયોરિટીના આધારે આંગણવાડી વર્કર અને હેલ્પર બહેનોને પ્રમોશન આપવું, કેન્દ્રોમાં ખાલી પડેલી વર્કર અને હેલ્પરની જગ્યાઓ સત્વરે ભરવી, અને આંગણવાડીની મૂળ કામગીરી સિવાયની અન્ય બિનજ‚રી કામગીરી બહેનો પાસેથી કરાવવાનું બંધ કરવું જેવી બાબતોનો સમાવેશ થાય છે.