મહીસાગર જીલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને જીલ્લા સંકલન સમિતિ ભાગ – ૨ ની બેઠક યોજાઇ

કલેક્ટર દ્વારા વિવિધ વિભાગોના પડતર પ્રશ્નોની સમીક્ષા કરી સત્વરે નિકાલ લાવવા તાકીદ કરાઈ.

મહીસાગર જીલ્લા સેવા સદન ખાતે જીલ્લા કલેક્ટર અર્પિત સાગરના અધ્યક્ષસ્થાને જીલ્લા સંકલન સમિતિ ભાગ – ૨ ની બેઠક યોજવામાં આવી હતી. બેઠક દરમિયાન કલેક્ટરએ વિવિધ વિભાગોમાં અરજદારની અરજીઓની નિકાલની લગતા પડતર પ્રશ્નો, પેન્શન કેસ તેમજ ખાતાકીય તપાસના પડતર કેસોનો સત્વરે અને હકારાત્મક નિકાલ લાવવા તમામ વિભાગીય વડાઓને તાકીદ કરી હતી.

આ ઉપરાંત, જીલ્લાના વિકાસ કાર્યોમાં જ્યાં બે કે તેથી વધુ વિભાગોની સંયુક્ત કામગીરી જ‚રી હોય, ત્યાં તમામ વિભાગોને પરસ્પર સીધું સંકલન જાળવી અડચણો દૂર કરવા અને કામગીરીને વેગ આપવા સૂચના આપવામાં આવી હતી. સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચે અને કોઈ પણ પાત્રતા ધરાવતો લાભાર્થી વંચિત ન રહે તે માટે તમામ અમલીકરણ અધિકારીઓને પારદર્શક અને પ્રો-એક્ટિવ અભિગમ અપનાવવા પર કલેક્ટરએ ખાસ ભાર મૂક્યો હતો.

જીલ્લા વહીવટી તંત્રની કામગીરીને વધુ સુદ્રઢ બનાવવાના હેતુથી યોજાયેલી આ બેઠકમાં જીલ્લા વિકાસ અધિકારી યુવરાજ સિધાર્થ, જીલ્લા પોલીસ વડા સફીન હસન, નિવાસી અધિક કલેક્ટર સી વી લટા, તમામ પ્રાંત અધિકારીઓ, તેમજ જીલ્લાના વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.