
દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકામાં બોગસ આદિવાસી દસ્તાવેજો બનાવી સરકારી નોકરીઓ મેળવવાનું મોટું કૌભાંડ સામે આવ્યું છે. ધાનપુર તાલુકાના ૨૩ જેટલા ઈસમોએ બોંગસ પેઢીનામા અને ખોટા કાગળોના આધારે એસ.ટી. (Scheduled Tribe) ના પ્રમાણપત્રો મેળવી અલગ-અલગ સરકારી વિભાગોમાં નોકરીઓ મેળવી હોવાનો ગંભીર આક્ષેપ થયો છે.
સાચા આદિવાસી સમાજના બંધારણીય હકો પર તરાપ મારનારા આ ૨૩ બોગસ કર્મચારીઓ સામે કાયદાકીય કડક કાર્યવાહી કરવા અને તેમને તાત્કાલિક અસરથી સરકારી સેવામાંથી દૂર કરવા માટે “આદિવાસી પરિવાર સમિતિ, તથા નાગરિકો દિલીપભાઈ પરમાર અને ભરત ડામોર દ્વારા તમામ જરૂરી પુરાવા અને દસ્તાવેજી ફાઈલ સાથે વિશ્લેષણ સમિતિ, વડોદરા ખાતે વિધિવત તપાસની અરજી દાખલ કરવામાં આવી છે. બોગસ આદિવાસી દાવેદારોમાં ફફડાટ દાહોદ જિલ્લામાં અગાઉ પણ નકલી કચેરીઓ અને કરોડોના વિકાસ કૌભાંડો ગાજ્યા છે, ત્યારે હવે ધાનપુરમાં બોગસ એસ.ટી. દાખલાના મુદ્દાએ જોર પકડયું છે. વિશ્લેષણ સમિતિમાં અરજી થતાં જ બોગસ આદિવાસી બનીને સરકારી નોકરીઓ ભોગવી રહેલા કર્મચારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે અને રાજકીય આકાઓના શરણે ફોન રણકી ઉઠ્યા હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. વડોદરા વિશ્લેષણ સમિતિ સમક્ષ રજૂ
કરાયેલા મુખ્ય મુદ્દા:સાંસ્કૃતિક અને સામાજિક તફાવતઃ બોગસ દાવેદારોના રહેણી-કહેણી, રીત-રિવાજો, લગ્નપ્રથા કે ભીલી ભાષા આદિવાસી સમાજ સાથે મેળ ખાતા નથી.કુટુંબના મોસાળ પક્ષ (મામા-ફોઈ) તથા પિતૃ પક્ષના E વંશાવળી અને પેઢીનામાંની ઊંડાણપૂર્વક તપાસ કરવા માંગ કરવામાં આવી છે. બોગસ દસ્તાવેજોના આધારે નોકરી મેળવનાર તમામ ૨૩ જણા સામે ગુનો નોંધી નોકરીમાંથી બરતરફ કરવાની વિનંતી કરાઈ છે. જો વડોદરા વિશ્લેષણ સમિતિના અધિકારીઓ દ્વારા આ કેસમાં તટસ્થ અને પારદર્શી -તપાસ હાથ ધરવામાં આવશે, તો ધાનપુર તાલુકામાં બોગસ એસ.ટી. પ્રમાણપત્રોનો મોટો પરપોટો ફૂટવાની પૂરેપૂરી શક્યતા છે. હવે જોવાનું એ રહેશે કે વિશ્લેષણ સમિતિના અધિકારીઓ ખરા અર્થમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી કરશે કે મામલો ભીનો સંકેલાઈ જશે.