
હાલોલ-શામળાજી હાઇવે બન્યો મરણિયો માર્ગ: મસમોટા ખાડાઓથી વાહનચાલકોના જીવ તાળવે.

શહેરા, ગોધરા અને લુણાવાડા તરફના હાલોલ-શામળાજી હાઈવે પર પડેલા મસમોટા ખાડાઓને કારણે વાહન ચાલકોને વાહનોને આર્થિક નુકસાન થવાની સાથે અકસ્માતનો સતત ભય સતાવી રહ્યો છે. તંત્ર વહેલી તકે હાઇવે પરના ખાડાઓનું યોગ્ય પેચવર્ક કરે તેવી માંગ વાહનચાલકોમાંથી ઉઠી હતી.

શહેરા, ગોધરા અને લુણાવાડા તરફના હાલોલ-શામળાજી હાઈવે પર પડેલા મસમોટા ખાડાઓને કારણે વાહન ચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. હજારો વાહનોની અવરજવર ધરાવતા આ અત્યંત વ્યસ્ત હાઇવે પર પડી ગયેલા ખાડાઓના કારણે વાહનોને મોટા પાયે આર્થિક નુકસાન થવાની સાથે અકસ્માતનો સતત ભય સતાવી રહ્યો છે. બિસ્માર રસ્તાઓથી ત્રસ્ત વાહનચાલકોમાં તંત્ર દ્વારા તાત્કાલિક પેચવર્ક હાથ ધરીને રસ્તા પર પથરાયેલી માટી દૂર કરવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠી છે. રાત્રિના સમયે અથવા તો માર્ગ પર ઊડતી ધૂળ-માટીના કારણે રસ્તા પરના ખાડાઓ સ્પષ્ટ દેખાતા નથી. જેથી અચાનક ખાડો સામે આવી જતાં વાહનચાલકો ઇમરજન્સી બ્રેક મારવા મજબૂર બને છે. આ પરિસ્થિતિમાં પાછળથી પુરઝડપે આવતા વાહનો અથડાવાનો અને મોટો અકસ્માત સર્જાવાનો ભય સતત તોળાતો રહે છે. ખાડાઓની આસપાસ પથરાયેલી માટી અને કપચીના કારણે ખાસ કરીને ટુ-વ્હીલર ચાલકો માટે જીવનું જોખમ ઊભું થયું છે. સંબંધિત તંત્ર દ્વારા આ બાબતને ગંભીરતાથી લેવામાં આવીને હાઇવે પરના તમામ જોખમી ખાડાઓનું યોગ્ય રીતે પેચવર્ક કરે અને રસ્તા પર પથરાયેલી માટી દૂર કરવામા આવે તેવી આશા અહીંથી પસાર થતાં રોજિંદા વાહનચાલકો રાખી રહ્યા હતા.
