તહેવારોને લઈને જયારે રેશનની માંગ સોૈથી વધુ હોય છે ત્યારે સંખેડા તાલુકાની પંડિત દિનદયાળ ગ્રાહક ભંડાર નામની સરકાર માન્ય રેશનિંગ દુકાનોમાં સર્વર ડાઉન થતાં ગ્રાહકો અને દુકાનદાર વચ્ચે ધર્ષણના દ્રશ્યો સર્જાયા હતા. સવારથી જ રાશનકાર્ડ ધારકો લાંબી કતારોમાં ઉભા હતા. પરંતુ સિસ્ટમમાં સર્વર ડાઉન હોવાના કારણે કામગીરી શઆતથી જ ખોરવાઈ હતી. કલાકો સુધી રાહ જોયા બાદ પણ રાશન ન મળતા ગ્રાહકો અને દુકાનદાર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. મજુરી કામ છોડીને રાશન લેવા આવેલા અનેક ગ્રાહકોને ખાલી હાથે અને વીલા મોંઢે પરત ફરવુ પડ્યુ હતુ. ગ્રાહકોએ આક્ષેપ કર્યો હતો કે, તહેવારોના દિવસોમાં સરકાર દ્વારા પુરતી વ્યવસ્થા રાખવામાં આવતી નથી. ગ્રાહકોએ માંગ કરી છે કે, તહેવારો પહેલા સરકાર તંત્ર દ્વારા સર્વર અને ટેક્નિકલ બાબતો ચેક કરી લેવામાં આવે જેથી ગરીબ અને મધ્યમવર્ગીય લોકોને મજુરી ગુમાવીને કલાકો સુધી લાઈનોમાં ઉભા રહીને હેરાન ન થવુ પડે. આ બાબતે તંત્ર દ્વારા તાત્કાલિક પગલા ભરવામાં આવે અને સર્વરની કામગીરી વહેલી તકે ચાલુ કરવામાં આવે તેવી ગ્રાહકો અને દુકાનદારોની માંગ છે.