લુણાવાડામાં સરકારી પુસ્તકાલય કમ્પાઉન્ડ વોલના પાયા દેખાવા માંડ્યા

લુણાવાડા ખાતે રૂ.૮.૧૭ કરોડના મોટા ખર્ચે નવનિર્મિત જિલ્લા પુસ્તકાલયનુ તાજેતરમાં ઈ-લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ. ૪૨ પાટીદાર સમાજધર ખાતે યોજાયેલા આ કાર્યક્રમ બાદ મહાનુભાવો દ્વારા રિબિન કાપીને તેને ખુલ્લુ મુકવામાં આવ્યુ હતુ. પરંતુ લોકાર્પણના ૨૪ કલાકમાં જ આ સરકારી નિર્માણની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઉભા થયા છે. નવનિર્મિત પુસ્તકાલયની કમ્પાઉન્ડ વોલમાં અત્યારથી જ ઠેર ઠેર મોટી તિરાડો જોવા મળી રહી છે. તેમજ દિવાલની અંદર પાણી વહી રહ્યુ હોવાનુ સામે આવ્યુ છે. કોન્ટ્રાકટરની બેદરકારી અને નબળા બાંધકામને કારણે પ્રજાના ટેકસના કરોડો રૂપિયાનુ આંધણ થયુ હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. સ્થાનિકો અને જાગૃત નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. નવનિર્મિત પુસ્તકાલયના કામકાજની ગુણવત્તા તપાસમાં તાત્કાલિક ઉચ્ચ સ્તરિય ટેક્નિકલ ટીમ દ્વારા તપાસ કમિટી રચવામાં આવે અને કોઈ ગેરરિતી ઝડપાય તો જવાબદારો સામે કાનુની રાહે પગલા લેવાય તેવી માંગ કરાઈ છે.