નસવાડી તાલુકાના છેવાડાના કુપ્પા ગામમાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. ગામમાં આઝાદીના દાયકાઓ બાદ પ્રાથમિક શાળા સુધી પહોંચવા માટે રસ્તો અને લો-લેવલનો કોઝ-વે મંજુર થતાં ગ્રામજનો તથા બાળકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. જોકે ચોમાસાની શઆતમાં વરસાદી પાણીના ધસમસતા પ્રવાહમાં કોઝ-વેની સુરક્ષા દિવાલો ધોવાઈ જતાં આ ખુશી ભારે મુશ્કેલીમા ફેરવાઈ ગયો છે.શાળાએ પહોંચવા માટે એકમાત્ર મુખ્ય રસ્તો હોવાથી નાના ભુલકાઓ દરરોજ તુટેલા અને જોખમી કોઝ-વે પરથી પસાર થવા મજબુર બન્યા છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ નીચાણવાળો કોઝ-વે હોવાથી ભારે વરસાદ દરમિયાન પાણી રસ્તા પર ફરી વળે છે. જેથી બાળકો તણાઈ જવાની ગંભીર ભિતી સેવાઈ રહી છે. કોઝ-વે ક્ષતિગ્રસ્ત હોવાના કારણે ભારે વાહનોની અવર જવર પણ સંપુર્ણપણે ઠપ્પ થઈ ગઈ છે. જેના લીધે સ્થાનિક ખેડુતોને પોતાની ખેત પેદાશો બજાર સુધી પહોંચાડવામાં, દવાઓ તથા અન્ય ચીજવસ્તુઓ લાવવામાં ભારે આર્થિક અને શારીરિક મુશ્કેલી વેઠવી પડી રહી છે. કોઝ-વે તુટ્યાના અંદાજે ૧૫ દિવસ જેટલો સમય વિતી ગયો હોવા છતાં પંચાયત માર્ગ મકાન વિભાગના કોઈપણ અધિકારીઓ સ્થળ પર તપાસ કરવાની તસ્દી પણ લીધી નથી. તંત્રની આ નિરસતા સામે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોએ માંગ કરી છે કે, બાળકોની સુરક્ષાને ધ્યાને લઈ તાત્કાલિક વૈકલ્પિક રસ્તાની સુવિધા કરવામાં આવે અને તાત્કાલિક અધિકારીઓ સ્થળ પર કોઝ-વેનુ નિરીક્ષણ કરે તેવી માંગ કરી છે.