પોતાના સંતાનો ભણી ગણીને વિદેશીમાં સ્થાયી થાય તેવુ મોટાભાગના માતા-પિતાનુ સ્વપ્ન હોય છે. કંઈક આવા જ સ્વપ્ન જોનાર બાલાસિનોરના શિક્ષક દંપત્તિએ પોતાના પુત્રને કેનેડા મોકલવાના નામે આણંદના શખ્સને રૂ.૨૦ લાખ આપ્યા હતા. આ શખ્સે તેના પુત્રને કેનેડા તો મોકલી આપ્યો નહિ, પરંતુ રૂ.૧૭.૨૦ લાખની રકમ પણ બે વર્ષથી પરત કરતો ન હોય આખરે શિક્ષકે તેની સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.
બાલાસિનોરના પીલોદરા રોડ પર આવેલી શ્રીરામ સોસાયટીમાં રહેતા અને રોજવા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા વિપુલભાઇ નારણભાઇ પટેલે પોલીસમાં આણંદની ગોકુલ પાર્ક સોસાયટીમાં રહેતા પ્રતિક વિનુભાઈ પટેલ સામે ફરિયાદ નોંધાવી છે કે, બોરસદના એક મિત્ર મારફતે તેમનો આ શખ્સ સાથે પરીચય થયો હતો. ત્યારબાદ તેના પુત્રને કેનેડામાં જોબ માટે મોકલવા વર્ષ-૨૦૨૩ અને ૨૦૨૪ ના રોજ જુદા જુદા સમયે અલગ અલગ રીતે કુલ રૂ.૨૦.૨૦ લાખની રકમ પ્રતિકને આપી હતી. બાદમાં પ્રક્રિયા ચાલુ હોવાનુ જણાવીને લાંબો સમય પસાર કર્યો હતો. જુન-૨૦૨૪માં આ બાબતે પ્રતિકને દબાણ કરીને પુછતા વિઝાનુ કામ થઈ શકે તેમ ન હોવાનુ જણાવી પિયા પરત આપી દેવા કહ્યુ હતુ. બાદમાં ટુકડે ટુકડે રૂ.૩ લાખ પરત કર્યા હતા. બાકીના રૂપિયા પરત માંગતા પ્રતિકે પોતે લોન મુકી હોવાનુ અને લોન આવશે એટલે આપી દઈશ તેમ કહ્યુ હતુ. આજ સુધી વાયદા કર્યા બાદ પ્રતિકે પૈસા પરત નહિ આપતા આખરે શિક્ષક વિપુલભાઈએ બાલાસિનોર પોલીસ મથકે છેતરીપંડી અંગેની ફરિયાદ નોંધાવી છે.