
ગુજરાત વિધાનસભાનું આજથી બજેટ સત્ર શરૂ થયું છે આ સત્ર ૨૫ માર્ચે સત્ર સમાપ્ત થશે. આ સત્ર દરમિયાન યુજીસી, ગુજસીટોકમાં સુધારા સહિત અન્ય મહત્ત્વના વિધેયક પસાર કરાશે. ૩૮ દિવસમાં સત્રમાં ૨૩ દિવસ સુધી ગૃહમાં કામકાજ ચાલશે. આ સત્રમાં ૨૬ બેઠક મળશે. પ્રથમ દિવસે રાજ્યપાલે સંબોધન કર્યું હતું અને આજે પ્રથમ દિવસે શોક દર્શક ઠરાવ રજૂ કરવામાં આવ્યો હતો અને રાજ્યના પૂર્વ મંત્રીઓ તેમજ પૂર્વ ધારાસભ્યના નિધન અંગે શોક દર્શક રજૂ કરવામાં આવ્યો હતો આજે પ્રથમ દિવસે વિધાનસભાના ઉપાધ્યક્ષની ચુંટણી થઇ હતી જેમાં ભાજપના ઉમેદવાર પૂર્ણિશ મોદીનો વિજય થયો હતો અને કોંગ્રેસના ઉમેદવાર શૈલેષ પરમારનો પરાજય થયો હતો
સામાન્ય રીતે સત્રના બીજા દિવસે નાણાંમંત્રી અંદાજપત્ર રજૂ કરતા હોય છે પરંતુ આ વખતે પ્રથમ વખત સત્રના ત્રીજા દિવસે અંદાજપત્ર રજૂ થશે.આ વખતે ૧૮ ફેબ્રુઆરીએ નાણામંત્રી કનુભાઇ દેસાઇ પાંચમીવાર અંદાજપત્ર રજૂ કરશે.નાણામંત્રી કનુભાઈ દેસાઈ આ વર્ષે રાજ્યનું અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ રજૂ કરે તેવી સંભાવના છે. સૂત્રોના જણાવ્યા મુજબ, ગત વર્ષની સરખામણીએ અંદાજે ૧૫ ટકા વધારા સાથે આશરે ૩.૯૦ લાખ કરોડ રૂપિયાનું બજેટ રજૂ થઈ શકે છે. નાણાં વિભાગે બજેટ તૈયારીઓ અંતિમ તબક્કામાં પહોંચાડી છે. ૧૮ ફેબ્રુઆરીએ સામાન્ય બજેટ રજૂ થવાનું આયોજન છે.
ગુજરાત વિધાનસભાનું સત્ર હંગામેદાર રહેવાની સંભાવના છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ખેડૂતોના પ્રશ્નો, કાયદો વ્યવસ્થા, મોંઘવારી સહિતના પ્રશ્નો ગૃહમાં ઉઠાવી શકે છે. બીજી તરફ મંગળવારે ભાજપના ધારાસભ્યોની બેઠક મળશે જેમાં વિપક્ષ સામે સરકારનો મજબૂતી સાથે પક્ષ રજૂ કરવા માર્ગદર્શન અપાશે. આક્રમકતા સાથે વિપક્ષનો સામનો કરવા રણનીતિ ઘડાશે.