
ગોધરા નગરપાલિકાના લાઈટ વિભાગને ૨ નવી ગાડીઓ મળી છે. આનાથી શહેરમાં સ્ટ્રીટ લાઈટની ફરિયાદોનો ઝડપથી ઉકેલ આવશે. આ ગાડીઓનો ઉમેરો સ્ટ્રીટ લાઈટની કામગીરીને વધુ ઝડપી અને અસરકારક બનાવવા માટે કરાયો છે.
આજરોજ ગોધરા નગરપાલિકા ખાતે બંને નવી ગાડીઓનું લોકાર્પણ થયું. આ પ્રસંગે કારોબારી ચેરમેન આનંદ ઘડિયાલી, ગોધરા નગર ભાજપ પ્રમુખ નિર્મિત દેસાઈ, વોર્ડના સભ્યો અને લાઈટ વિભાગના કર્મચારીઓ હાજર હતા. આ ૨ ગાડીઓની ખરીદી સરકારની ૧ મે રાષ્ટ્રીય પર્વ યોજના હેઠળ કરવામાં આવી છે.
ગાડીઓ મળવાથી લાઈટ વિભાગની ટીમ શહેરના વિવિધ વિસ્તારોમાં સ્ટ્રીટ લાઈટની ફરિયાદો પર વધુ ઝડપથી પહોંચી શકશે. ખાસ કરીને રાત્રિના સમયે બંધ લાઈટોને કારણે રાહદારીઓ અને વાહનચાલકોને પડતી મુશ્કેલીઓનો ઝડપથી ઉકેલ લાવી શકાશે. આનાથી ગોધરા શહેરમાં રાત્રિના સમયે પ્રકાશની વ્યવસ્થા વધુ સારી બનશે.