વિદ્યાર્થીઓને કૃષિ અને તેને સંલગ્ન ડિપ્લોમા અને સ્નાતક કક્ષાના વિવિધ અભ્યાસક્રમો વિશે માહિતગાર કરાયા.
આણંદ કૃષિ યુનિવર્સિટી (અઅઞ) અતંર્ગત કાર્યરત ગોધરાની કૃષિ ઇજનેરી અને ટેક્નોલોજી કોલેજ દ્વારા ગોધરા તાલુકામાં વેજલપુર ગામ ખાતે આવેલ જવાહર નવોદય વિદ્યાલયમાં કૃષિ અને તેને સંલગ્ન જુદા જુદા ડિપ્લોમા અને સ્નાતક કક્ષાના અભ્યાસક્રમો વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કરવા અને સચોટ માર્ગદર્શન આપવાના હેતુથી કારકિર્દીલક્ષી સેમિનાર યોજવામાં આવ્યો હતો.
આ સેમિનારનું આયોજન આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડો. કે. બી. કથીરિયાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. જેનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને કૃષિ અને સંલગ્ન વિવિધ અભ્યાસક્રમો વિશે સચોટ માહિતી, તેની મહત્વતા તથા કૃષિ ક્ષેત્રમાં રહેલ કારકિર્દીલક્ષી ઉજ્જવળ તકો વિષે માહિતગાર કરવાનો હતો. ખાસ કરીને, કૃષિ ક્ષેત્રમાં સંશોધન, ટેકનોલોજી અને નવીનતા કૃષિ-ટેકનોલોજીથી લઈને બાયોટેકનોલોજી સુધી નવી નોકરીઓ અને ભૂમિકાઓનું સર્જન કેવી રીતે થઈ રહ્યું છે તે વિશે જાણકારી આપી વિદ્યાર્થીઓને ભવિષ્યમાં પોતાનો યોગ્ય માર્ગ પસંદ કરવામાં મદદરૂપ થવાનો હતો. આ સેમિનાર થકી વિદ્યાર્થીઓને કૃષિ શિક્ષણ અને કારકિર્દીના વિકલ્પોની વિસ્તૃત સમજણ આપવામાં આવી હતી.
આ સેમિનારમાં વિદ્યાલયના ધોરણ 10 થી ધોરણ 12 ના એ ગ્રુપ અને બી ગ્રુપમાં અભ્યાસ કરતાં કુલ 205 વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે કોલેજના આચાર્ય અને વિદ્યાશાખા અધ્યક્ષ ડો.આર.સુબૈયાહ, જવાહર નવોદય વિદ્યાલયના આચાર્ય પ્રિય રંજન, કૃષિ ઇજનેરી અને ટેક્નોલોજી કોલેજ અને મકાઇ સંશોધન કેન્દ્રના અધિકારીઓ તથા વિદ્યાલયના શિક્ષકગણ હાજર રહ્યા હતા.