ગરબાડા ખાતે ‘જનજાતીય ગૌરવ સપ્તાહ’ની ભવ્ય ઉજવણી: ભગવાન બિરસા મુંડાની પ્રતિમાની સ્વચ્છતા અને પુષ્પાંજલિ અર્પણ કરાઈ


સ્વાતંત્ર્ય સંગ્રામમાં જનજાતીય સમાજના યોગદાનને યાદ કરવા અને નવી પેઢીમાં રાષ્ટ્રપ્રેમની ભાવના ઉજાગર કરવા ગરબાડામાં મામલતદારશ્રીના અધ્યક્ષસ્થાને વિશેષ કાર્યક્રમ યોજાયો.

ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા ધરતી આબા ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતિ નિમિત્તે તા. ૧૨થી ૧૮ નવેમ્બર, ૨૦૨૬ દરમિયાન રાજ્યવ્યાપી ‘જનજાતીય ગૌરવ સપ્તાહ’ની ઉજવણી કરવામાં આવી રહી છે. દેશના સ્વાતંત્ર્ય સંગ્રામમાં જનજાતીય સમાજના અમૂલ્ય યોગદાનને જન-જન સુધી પહોંચાડવા અને જનજાતીય મહાપુરુષોના શૌર્ય, સંઘર્ષ તથા બલિદાનની ગૌરવગાથાથી નવી પેઢીને પરિચિત કરાવવાનો આ ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય છે.

આ સપ્તાહ અંતર્ગત ગરબાડા વિધાનસભા ક્ષેત્રનો વિશેષ પ્રતિમા સ્વચ્છતા અને પુષ્પાંજલિ કાર્યક્રમ રિલાયન્સ પેટ્રોલ પંપ સામે, ગાંગરડી ચોકડી, ગરબાડા ખાતે ગરબાડા મામલતદારશ્રીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.

કાર્યક્રમની શરૂઆતમાં ઉપસ્થિત પદાધિકારીઓ, વહીવટી તંત્રના અધિકારીઓ અને આગેવાનો દ્વારા ભગવાન બિરસા મુંડાની પ્રતિમાની આસપાસ ઉત્સાહભેર સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, જેના દ્વારા સમાજમાં સ્વચ્છતાનો ઉમદા સંદેશ પ્રસારિત થયો હતો. ત્યારબાદ મહાનુભાવોના હસ્તે પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી ભાવપૂર્વક પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
આ પ્રસંગે ગરબાડા તાલુકા ભાજપ પ્રમુખ શ્રી પ્રજીતસિંહ રાઠોડ, તાલુકા વિકાસ અધિકારીશ્રી, ભાજપ સંગઠનના સભ્યો, સ્થાનિક આગેવાનો, જિલ્લા અને તાલુકા વહીવટી તંત્રના અધિકારીઓ-કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

આ ઉજવણી દ્વારા ભગવાન બિરસા મુંડા સહિતના જનજાતીય મહાપુરુષોના જીવન અને રાષ્ટ્રપ્રત્યેના સમર્પણને યાદ કરી, નવી પેઢીમાં ગૌરવ, જાગૃતિ અને રાષ્ટ્રભક્તિની પ્રેરણા ફેલાવવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો.