
શ્રાવણ માસમાં કવાંટ તાલુકામાં શિવભક્તિનો માહોલ જોવા મળ્યો. ફેરકુવા ગામના ૫૦ થી ૬૦ શિવભક્ત યુવાનોની કાવડ યાત્રા પાનવડ પહોંચી હતી. આ યુવાનોએ કવાંટ તાલુકાના યાત્રાધામ હાફેશ્ર્વર ખાતે નર્મદાના પવિત્ર ઘાટેથી જળ ભર્યું હતું.
ખભે કાવડ અને મુખે ’હર હર મહાદેવ’ના નાદ સાથે આ યુવાનો હાફેશ્ર્વરથી કડીપાણી, કવાંટ થઈને પાનવડ પહોંચ્યા હતા. પાનવડ ગામમાં પ્રવેશતા જ ગ્રામજનોએ કાવડ યાત્રાનું સ્વાગત કર્યું. ત્યારબાદ આખી યાત્રા ગામના પાંડેશ્ર્વર મહાદેવ મંદિર પહોંચી.
યાત્રાળુઓએ પાંડેશ્ર્વર મહાદેવને નર્મદાનું પવિત્ર જળ ચડાવી જળાભિષેક કર્યો. તેમણે ગામની સુખ-શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના પણ કરી. મહાદેવને જળ ચડાવ્યા બાદ પ્રસાદ લઈને કાવડ યાત્રા ફરી ફેરકુવા ગામ તરફ જવા રવાના થઈ.