‘ડ્રંક એન્ડ ડ્રાઇવિંગ’ના ગંભીર ગુનામાં પકડાયેલા વાહનચાલકનું ડ્રાઇવિંગ લાઇસન્સ નંબર GJ35 20160001279 રદ કરવામાં આવ્યું

‘ડ્રંક એન્ડ ડ્રાઇવિંગ’ના ગંભીર ગુનામાં પકડાયેલા ડ્રાઈવરનું લાઇસન્સ રદ ઉપરાંત ભવિષ્યમાં ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા માટે પણ ગેરલાયક.

મહીસાગર જીલ્લામાં નશાની હાલતમાં મોટર વાહન હંકારવા બદલ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ત્યારે મહીસાગર જીલ્લા રોડ સેફટી કમિટી દ્વારા જાહેર જનતાને જાણ કરવામાં આવે છે કે, જીલ્લા પોલીસ દ્વારા ‘ડ્રંક એન્ડ ડ્રાઇવિંગ’ (નશાની હાલતમાં મોટર વાહન હંકારવું) ના ગંભીર ગુનામાં પકડાયેલા એક વાહનચાલકનું ડ્રાઇવિંગ લાઇસન્સ નંબર GJ35 20160001279 રદ કરવામાં આવ્યું છે. જીલ્લા પોલીસ તરફથી કેસ મોકલાયા બાદ, સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરી, મહીસાગર ખાતે સુનાવણીના અંતે આ કાર્યવાહી કરવામાં આવી છે. આ લાઇસન્સ માત્ર રદ કરવામાં આવ્યું નથી, પરંતુ આ વ્યક્તિને ભવિષ્યમાં ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા માટે પણ ગેરલાયક ઠેરવવામાં આવેલ છે. આ કાર્યવાહી દ્વારા કમિટીએ ટ્રાફિક સુરક્ષા પ્રત્યે પોતાની કડક પ્રતિબદ્ધતા દર્શાવી છે.

આ નિર્ણય સાથે, જીલ્લા રોડ સેફટી કમિટી મહીસાગર સ્પષ્ટપણે જણાવે છે કે આવનારા દિવસોમાં ‘ડ્રંક એન્ડ ડ્રાઇવિંગ’ના ગુનાઓમાં ફરજીયાત ડ્રાઇવિંગ લાઇસન્સ રદ કરવામાં આવશે, જેની જાહેર જનતાએ ગંભીર નોંધ લેવી. વધુમાં, ટ્રાફિક સંબંધિત અન્ય ગંભીર ગુનાઓ બદલ માત્ર ઓક્ટોબર માસમાં કુલ 18 ડ્રાઇવિંગ લાઇસન્સ સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરવામાં આવેલ છે. તેમજ, 7 ડ્રાઇવિંગ લાઇસન્સ અન્ય લાયસન્સિંગ ઓથોરિટીના હોય, તેમને પણ સસ્પેન્ડ/રદની કાર્યવાહી માટે મોકલી આપવામાં આવ્યા છે. જીલ્લાની તમામ મોટરિંગ પબ્લિકને ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા અને માર્ગ સલામતી જાળવવા માટે ભારપૂર્વક અનુરોધ કરવામાં આવે છે.