
તલાટી કમ મંત્રીની શોધમાં ધક્કા ખાતા અરજદારો, મિટિંગમાં છેના જવાબથી લાભાર્થીઓ પરેશાન.
એક તલાટી પાસે ૪થી ૫ પંચાયતનો વહીવટ, કર્મચારી એક સ્થળે હાજર ન રહેતા સરકારી કામો માટે લોકોની દોડધામસરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારના લોકોને ઘરઆંગણે સરકારી સેવાઓ મળી રહે તે માટે પંચાયત વ્યવસ્થાને મહત્વ આપવામાં આવે છે, પરંતુ ઘોઘંબા તાલુકાના ફરોડ ગામે ગ્રામ પંચાયત કચેરીની સ્થિતિ કંઈક અલગ જ ચિત્ર રજૂ કરતી જોવા મળી રહી છે. ફરોડ ગ્રામ પંચાયતની મુલાકાત દરમિયાન પંચાયત કચેરીના દરવાજા પર તાળા જોવા મળ્યા હતા. એટલું જ નહીં, જાહેર શૌચાલયમાં પણ તાળા જોવા મળતાં ગ્રામજનોમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે.
તલાટી કમ મંત્રીને લગતું કોઈ કામ લઈને અરજદાર પંચાયત કચેરીએ પહોંચે ત્યારે ઘણી વખત તલાટી મિટિંગમાં ગયા છે એવો જવાબ મળતો હોવાની ફરિયાદો સામે આવી રહી છે. પરિણામે સરકારી કામ માટે આવેલા અરજદારોને કામ પૂર્ણ કરાવ્યા વિના જ પરત ફરવાની નોબત આવે છે.
ફરોડ ગામે તલાટી કમ મંત્રીનું કામ લઈને આવેલા એક લાભાર્થીએ પોતાની વ્યથા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, છેલ્લા પાંચ દિવસથી પંચાયત કચેરીના ધક્કા ખાઈ રહ્યો છું, પરંતુ સરકારી કર્મચારી મળતા નથી.
લાભાર્થીની આ ફરિયાદ માત્ર એક વ્યક્તિની મુશ્કેલી છે કે પછી ગ્રામ્ય કક્ષાની વહીવટી વ્યવસ્થાની વ્યાપક સમસ્યા છે, તે અંગે તંત્ર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવે તે જરી બન્યું છે.
ગ્રામ્ય વિસ્તારમાં એક જ તલાટી કમ મંત્રીને ચારથી પાંચ જેટલી ગ્રામ પંચાયતોનો વહીવટ સોંપવામાં આવતો હોવાની સ્થિતિ જોવા મળે છે. પરિણામે તલાટી દરેક પંચાયતમાં નિયમિત રીતે હાજર રહી શકે છે કે કેમ અને ગ્રામજનોને સમયસર સેવા મળી શકે છે કે કેમ તે અંગે પણ સવાલો ઊભા થાય છે.
સરકારી કર્મચારીની ગેરહાજરીનો સીધો ભોગ સામાન્ય અરજદાર અને લાભાર્થી બને છે. એક કચેરીએ કામ માટે પહોંચ્યા બાદ કર્મચારી અન્ય પંચાયતમાં હોય અને ત્યાં પહોંચો તો ફરી બીજી જગ્યાએ હોવાનો જવાબ મળે આવી સ્થિતિમાં સામાન્ય માણસની હાલત બાઈ બાઈ ચાયણી જેવી બની જતી હોવાનો ગ્રામજનોમાં કટાક્ષ જોવા મળે છે.
ફરોડ ગ્રામ પંચાયત ખાતે તાળા અને તલાટીની ઉપલબ્ધતા અંગે ઉઠેલી ફરિયાદો વચ્ચે હવે તાલુકા વહીવટી તંત્ર દ્વારા સ્થળ તપાસ કરી વાસ્તવિક સ્થિતિ સ્પષ્ટ કરવામાં આવે, તેમજ ગ્રામજનોને સરકારી સેવાઓ મેળવવામાં મુશ્કેલી ન પડે તે માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
સરકારી કચેરી લોકોની સેવા માટે છે, પરંતુ જો અરજદારને જ કર્મચારીની શોધમાં વારંવાર ધક્કા ખાવા પડે, તો જનસેવાના દાવા સામે જમીની હકીકત શું છે? તે તપાસનો વિષય બન્યો છે.