છત પર મુસાફરો, અંદર પણ ક્ષમતા કરતાં વધુ ભીડ; પોલીસ અને આરટીઓની તાત્કાલિક કાર્યવાહીની લોકમાગ.
દેવ ચોકડી થી બાલાસિનોર-અમદાવાદ રોડ પર કેટલાક પ્રાઈવેટ લક્ઝરી બસ સંચાલકો દ્વારા મુસાફરોના જીવને જોખમમાં મૂકી બસોની છત પર બેસાડીને તેમજ બસની અંદર પણ સીટ ક્ષમતા કરતાં વધુ મુસાફરો ભરી બેફામ મુસાફરી કરાવવામાં આવી રહી હોવાના ચોંકાવનારા દૃશ્યો સામે આવ્યા છે. જાહેર માર્ગો પર ટ્રાફિક નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન થતું હોવા છતાં આ પ્રકારની બેદરકારી યથાવત રહેતા સ્થાનિકોમાં ચિંતા અને રોષ બંને જોવા મળી રહ્યા છે.
સામે આવેલા ફોટોગ્રાફ્સમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, બસોની છત પર મોટી સંખ્યામાં મુસાફરો બેઠા છે, જ્યારે બસની અંદર પણ સીટો ભરાઈ ગયા બાદ ઊભા મુસાફરોની ભારે ભીડ જોવા મળી રહી છે. હાઈવે પર પૂરપાટ ઝડપે દોડતી આવી બસોમાં જો અચાનક બ્રેક લાગે, બસ અસંતુલિત બને અથવા અકસ્માત સર્જાય તો પળવારમાં મોટી જાનહાનિ સર્જાઈ શકે છે. તેમ છતાં કેટલાક બસ સંચાલકો વધુ કમાણીની લાલચમાં મુસાફરોની સુરક્ષાને નેવે મૂકી રહ્યા હોવાના આક્ષેપ થઈ રહ્યા છે.
જાહેર માર્ગો પર કાયદાનું પાલન કરાવવાની જવાબદારી પોલીસ અને આરટીઓ તંત્રની છે. મહીસાગર પોલીસ દ્વારા સમયાંતરે ટ્રાફિક નિયમોના અમલ માટે અભિયાન ચલાવવામાં આવે છે. ત્યારે આ ગંભીર મુદ્દે બાલાસિનોર પોલીસ અને આરટીઓ વિભાગ દ્વારા સંયુક્ત તપાસ હાથ ધરી નિયમભંગ કરનાર પ્રાઈવેટ લક્ઝરી બસ સંચાલકો સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાગ ઉઠી છે.
સ્થાનિક નાગરિકોનું કહેવું છે કે, અકસ્માત બન્યા પછી કાર્યવાહી કરતાં અકસ્માત અટકાવવો વધુ જરી છે. તેથી બસોની છત પર મુસાફરોને બેસાડવા, અંદર ક્ષમતા કરતાં વધુ મુસાફરો ભરવા અને સલામતીના નિયમોનો ભંગ કરનાર સંચાલકો સામે કડક દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે તેમજ વિશેષ ચેકિંગ ડ્રાઇવ હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
જાહેર સુરક્ષા સર્વોપરી છે. સમયસરની કાર્યવાહી અનેક નિર્દોષ લોકોના જીવ બચાવી શકે છે. હવે સૌની નજર બાલાસિનોર પોલીસ અને આરટીઓ વિભાગની કાર્યવાહી પર મંડાઈ છે.