
પ્રદેશ કોંગ્રેસની રાજ્યવ્યાપી જન આક્રોશ યાત્રા (પરિવર્તનનો શંખનાદ) આજે મધ્ય ગુજરાતના બીજા તબક્કામાં છોટાઉદેપુર જીલ્લામાં પહોંચી છે. સંખેડા બાદ યાત્રા નસવાડીમાં પ્રવેશી હતી. જ્યાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ દારૂબંધી પર સવાલ ઉઠાવ્યા. ચાવડાએ કહ્યું કે ’ ’પીવાનું પાણી ન મળે, પણ દારૂ માંગો એટલો મળે, આ દારૂ માટેના હપ્તા મુખ્યમંત્રી ઓફિસ સુધી જતા હોવાનો ગંભીર આરોપ લગાવ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર આદિવાસી હક્કો, ભ્રષ્ટાચાર અને અન્યાય સામે મજબૂત અવાજ ઉઠાવવા માટે કોંગ્રેસની જન આક્રોશ યાત્રા દરેક ગામ શહેરમાં પહોંચી રહી છે. ત્યારે છોટા ઉદેપુર જીલ્લામાં આ યાત્રા બે દિવસ ફરશે. જેને લઈ આજે સંખેડા બાદ યાત્રા નસવાડીમાં પહોંચી હતી. જ્યાં અમિત ચાવડા અને તુષાર ચૌધરી સહિતના નેતાઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. સાથે જ ધ્વજવંદનના કાર્યક્રમમાં કોંગ્રેસના કાર્યકરો જોડાયા હતા.
“દારૂના હપ્તા CM ઓફિસ સુધી જાય છે”
નસવાડીના ફળિયા ચાર રસ્તા પર યાત્રા પહોંચી ત્યાં હાજર લોકોને અમિત ચાવડાએ સંબોધ્યા. આ સમયે દારૂબંધી સહિતના મુદ્દે સરકાર પર શાબ્દિક પ્રહારો કરી સવાલ ઉઠાવ્યા. ચાવડાએ જણાવ્યું હતું કે ’પીવાનું પાણી ન મળે, પણ દારૂ માંગો એટલો મળે, દારૂના હપ્તા તમારા ગામથી લઈને ગાંધીનગરમાં મુખ્યમંત્રીની ઓફિસ સુધી જાય છે’ ચાવડાએ વધુમાં કહ્યું કે જનઆક્રોશ યાત્રાથી તમારા પ્રશ્ર્નો, તમારી તકલીફો-સમસ્યા, સરકારનો જે અન્યાય, ભેદભાવ અને અવાજને બુલંદ કરી રહ્યા છીએ.
સરકાર પર અમિત ચાવડાના શાબ્દિક પ્રહાર
અમિત ચાવડાએ વધુમાં જણાવ્યું હતું કે કેન્દ્ર અને રાજ્ય સરકાર મોટી મોટી જાહેરાત કરે છે. ગુજરાતમાં ખૂબ વિકાસ થયો છે. અને બીજી બાજુ કુંકરડા ગામ કે જ્યાં ત્યાં આઝાદીથી હજુ સુધી રસ્તાની સુવિધા નથી. લોકોને સંબોધતા પહેલા અમિત ચાવડાએ ટ્રેક્ટર પણ ચલાવ્યું હતું. જેમાં કોંગ્રેસના નેતાઓ પણ સવાર થયા હતા.
આ યાત્રામાં તુષાર ચૌધરી, પૂર્વ વિપક્ષ નેતા સુખરામ રાઠવા, જીલ્લા પ્રમુખ શશિકાત રાઠવા, જીલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ નોફિલ મેમણ, નસવાડીના કોંગ્રેસ પ્રમુખ જયેન્દ્રસિંહ સોંલકી સહિત અન્ય આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકો પણ જોડાયા હતા.