છોટાઉદેપુર સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય વ્યવસ્થાને લઈ ક્ષતિઓ જણાતા બે અધિકારીઓને નોટિસ

છોટાઉદેપુર સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય વ્યવસ્થાની વાસ્તવિક સ્થિતિની ચકાસણી કરવા જિલ્લા કલેકટરે તા.૨૧ ના રોજ રાત્રે આશરે ૮ વાગ્યે ઓચિંતી મુલાકાત લીધી હતી. વ્યવસ્થાને લઈ ક્ષતિઓ જણાઈ આવતા બે અધિકારીઓને કારણદર્શક નોટિસ આપી હતી.

કલેકટરે હોસ્પિટલમાં વિવિધ વોર્ડોની મુલાકાત લઈ દર્દીઓને મળતી સારવાર, દવાઓની ઉપલબ્ધતા, સ્વચ્છતાં વ્યવસ્થા તેમજ ફરજ પરના તબીબી અને આરોગ્ય કર્મચારીઓનુ હાજરનુ પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યુ હતુ. મુલાકાત દરમિયાન કલેકટર ગાર્ગી જૈને દર્દીઓ સાથે સીધો સંવાદ કરી તેમને સમયસર સારવાર મળી રહે છે કે નહિ, જ‚રી દવાઓ ઉપલબ્ધ છે કે નહિ, તેમજ હોસ્પિટલની અન્ય આરોગ્ય સેવાઓ અંગે માહિતી મેળવી હતી. આ ઉપરાંત ફરજ પરના તબીબો અને આરોગ્ય કર્મચારીઓની હાજરીની ચકાસણી કરી હતી. હોસ્પિટલ પરીસરની સ્વચ્છતાં વ્યવસ્થાનુ નિરીક્ષણ કરતા કેટલીક જગ્યાએ ક્ષતિઓ જોવા મળી હતી. સ્ટાફની હાજરી અને વહીવટી કામગીરીને લઈ કેટલીક બેદરકારી સામે આવી હતી. જેને કલેકટરે ગંભીરતાથી લઈ સંબંધિત અધિકારીઓને હોસ્પિટલની વ્યવસ્થામાં તાત્કાલિક સુધારો કરવા કડક સુચનાઓ આપી હતી. ઓચિંતી મુલાકાત દરમિયાન સામે આવેલી ક્ષતિઓ અને બેદરકારીના પગલે છોટાઉદેપુર સિવિલ હોસ્પિટલના મુખ્ય જિલ્લા તબીબી અધિકારી અને નિવાસી તબીબી અધિકારીને કારણદર્શક નોટિસ ફટકારી છે.