વરોડ ટોલ પ્લાઝા પર સ્થાનિક વાહનચાલકોમાં રોષ, ટોલમુક્તિનો મુદ્દો ફરી ચર્ચામાં

નવી એજન્સી આવતા સ્થાનિક વાહનો પાસેથી ટોલ વસૂલાતના આક્ષેપો, ૨૨ સપ્ટેમ્બરની બેઠક બાદ પણ સ્થિતિ યથાવત્; સત્વરે ઉકેલ નહીં આવે તો મોટા આંદોલનના સંકેતો

દાહોદ જીલ્લાના ગોવિંદ ગુરૂ લીમડી તાલુકાના વરોડ ટોલ પ્લાઝા પર સ્થાનિક વાહનચાલકો પાસેથી ટોલ વસૂલાતને લઈને ફરી એકવાર રોષ જોવા મળી રહ્યો છે. નવી ટોલ એજન્સી આવ્યા બાદ સ્થાનિક વાહનચાલકોને ટોલ ભરવા તેમજ માસિક પાસ કઢાવવા દબાણ કરવામાં આવતું હોવાના આક્ષેપો સામે આવ્યા છે. સ્થાનિક વાહનચાલકોના જણાવ્યા મુજબ અગાઉ સ્થાનિક વાહનોને ટોલમાંથી મુક્તિ આપવામાં આવતી હતી, ત્યારે હાલની વ્યવસ્થાને લઈને અસંતોષ ઊભો થયો છે.

સ્થાનિક વાહનચાલકોનો આક્ષેપ છે કે, સ્થાનિક હોવાના પુરાવા હોવા છતાં કેટલાક વાહનો પાસેથી ટોલ વસૂલવામાં આવે છે. કેટલાક કિસ્સામાં વાહનચાલકોની જાણ બહાર ફાસ્ટેગમાંથી પણ ટોલની રકમ કપાઈ જતી હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. કામકાજ માટે ઉતાવળમાં પસાર થતા વાહનચાલકોને ના છૂટકે ટોલ ચૂકવવો પડતો હોવાના કારણે ટોલ પ્લાઝા પર વાહનોની લાઈનો લાગવા સાથે કર્મચારીઓ અને વાહનચાલકો વચ્ચે બોલાચાલીના બનાવો પણ બનતા હોવાનો સ્થાનિકોનો દાવો છે.

મળતી માહિતી મુજબ તા. ૨૨-૦૯-૨૦૨૬ના રોજ ગોવિંદ ગુ‚ લીમડી વિસ્તારના સરપંચો દ્વારા સ્થાનિક વાહનચાલકોને ટોલમાંથી મુક્તિ મળે તે મુદ્દે ટોલ એજન્સીના સંચાલકો સાથે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સ્થાનિક ઓળખનો પુરાવો રજૂ કરનાર વાહનોને ટોલમુક્ત પસાર કરવાની વાત થઈ હોવાનું સ્થાનિક સૂત્રો પાસેથી જાણવા મળે છે.

પરંતુ સ્થાનિકોના જણાવ્યા મુજબ બેઠક બાદ થોડા સમય માટે રાહતની વાત થયા પછી ફરી ટોલ વસૂલાત શ‚ થતાં વાહનચાલકોમાં અસંતોષ ફેલાયો છે. સ્થાનિકોનો સવાલ છે કે, જો બેઠકમાં સ્થાનિક વાહનોને ઓળખના પુરાવાના આધારે ટોલમુક્ત પસાર કરવાની વાત થઈ હોય તો તેનો અમલ સતત કેમ થતો નથી?

સ્થાનિકોનું કહેવું છે કે, ટોલ પ્લાઝા પર સમયાંતરે એજન્સી બદલાય ત્યારે સ્થાનિક વાહનચાલકો સાથે ટોલ વસૂલાતને લઈને વિવાદ ઊભો થતો રહે છે. ઝાલોદ-લીમડી વિસ્તારના મોટી સંખ્યામાં વાહનચાલકો રોજિંદા આ માર્ગ પરથી અવરજવર કરતા હોવાથી ટોલ વ્યવસ્થાને લઈને કાયમી અને સ્પષ્ટ ઉકેલની માંગ ઉઠી છે.

સ્થાનિક વાહનચાલકોની મુખ્ય માંગ છે કે અગાઉની એજન્સીની જેમ સ્થાનિક વાહનોને ઓળખના માન્ય પુરાવાના આધારે ટોલમુક્ત પસાર કરવાની વ્યવસ્થા કરવામાં આવે અને સમગ્ર પ્રક્રિયામાં સ્પષ્ટતા તથા પારદર્શિતા જળવાય.

સ્થાનિક વાહનચાલકોનું કહેવું છે કે, આ મુદ્દે સત્વરે યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનનો માર્ગ અપનાવવાની સ્થિતિ ઊભી થઈ શકે છે. સ્થાનિક આગેવાનો તથા સંબંધિત તંત્ર દ્વારા તાત્કાલિક હસ્તક્ષેપ કરી ટોલમુક્તિ અંગે કાયમી ઉકેલ લાવવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.