વિરપુર, સંતરામપુર અને બાલાસિનોરમાં ‘સેવા મારૂં યોગદાન’ કાર્યક્રમ અંતર્ગત BLO તથા સુપરવાઇઝરોએ લીધા મતાધિકારના શપથ

રાજ્યભરમાં ચાલી રહેલા ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત નાગરિકોમાં રાષ્ટ્રભાવના અને સામાજિક પ્રતિબદ્ધતા વધુ સુદ્રઢ બને તેવા આશય સાથે “સેવા મારૂં યોગદાન” કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે લોકશાહીના પાયા સમાન ચૂંટણી પ્રક્રિયા પ્રત્યે જનજાગૃતિ કેળવવાના ઉદ્દેશથી મામલતદાર કચેરી-વિરપુર ખાતે તેમજ સંતરામપુર અને બાલાસિનોર તાલુકામાં વિશેષ મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ અંતર્ગત સંબંધિત વિસ્તારોના તમામ બૂથ લેવલ ઓફિસર્સ (BLO) તથા સુપરવાઇઝરશ્રીઓએ સક્રિયપણે ઉપસ્થિત રહીને મતદાન જાગૃતિ અંગે પ્રેરક માર્ગદર્શન મેળવ્યું હતું.

આ પ્રસંગે ઉપસ્થિત તમામ અધિકારીઓ, સુપરવાઇઝર્સ અને BLO કર્મીઓને લોકશાહી પ્રક્રિયામાં નિષ્ઠાપૂર્વક ભાગીદારી સુનિશ્ચિત કરવા તથા નાગરિકોને મતદાનનું મહત્વ સમજાવી પોતાના મતાધિકારનો પવિત્ર ઉપયોગ કરવા માટે પ્રેરિત કરવા બાબતે મતાધિકારના સામૂહિક શપથ લેવડાવવામાં આવ્યા હતા. વહીવટી તંત્ર દ્વારા આ અભિયાન થકી છેવાડાના મતદાર સુધી જાગૃતિ પહોંચાડવા અને આગામી દિવસોમાં સો ટકા મતદાન માટે લોકોને પ્રોત્સાહિત કરવા સંકલ્પબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ લોકશાહી મૂલ્યોના સંવર્ધન સાથે ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયો હતો.