ગોધરામાં ‘નશામુક્ત યુવા ફોર વિકસિત ભારત’ અંતર્ગત યુવાનોએ વ્યસન મુક્તિનો સંકલ્પ અને સ્પર્ધાઓ યોજાઈ

ગોધરા ખાતે ‘માય ભારત કેન્દ્ર’ દ્વારા ’નશામુક્ત યુવા ફોર વિકસિત ભારત સંકલ્પ અભિયાન’ અંતર્ગત એક ખાસ જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. વિકસિત ભારત બનાવવા માટે યુવા પેઢી સ્વસ્થ, સજાગ અને વ્યસનમુક્ત બને તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં સ્થાનિક યુવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને વ્યસનમુક્ત સમાજ બનાવવા માટે સામૂહિક શપથ લીધા હતા.

કાર્યક્રમ દરમિયાન યુવાનોમાં સામાજીક જવાબદારીની ભાવના વિકસે અને નશાની ખરાબ અસર અંગે લોકોમાં જાગૃતિ આવે તે માટે પોસ્ટર મેકિંગ, સૂત્રલેખન અને ચિત્રકામ જેવી અલગ-અલગ રચનાત્મક સ્પર્ધાઓ પણ યોજાઈ હતી.

આ ઉપરાંત, જનજાગૃતિના સંદેશને વધુ લોકો સુધી પહોંચાડવા માટે ‘વોલ સિગ્નેચર’ ઝુંબેશ પણ ચલાવવામાં આવી હતી. જેમાં યુવાનોએ ઉત્સાહથી ભાગ લીધો હતો અને નશામુક્ત સમાજ બનાવવા માટે પોતાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.

આ પ્રસંગે જીલ્લા યુવા અધિકારી અભિષેક શુક્લાએ યુવાનોને સંબોધિત કરતા કહ્યું હતું કે, ગુજરાત પૂજ્ય મહાત્મા ગાંધીની પવિત્ર કર્મભૂમિ છે. બાપુએ હંમેશાં દા‚બંધી અને નશાકારક વસ્તુઓના સેવનનો વિરોધ કરી સ્વસ્થ જીવનશૈલીનો સંદેશ આપ્યો હતો.

તેમણે કહ્યું કે, આજના યુવાનોએ પણ ગાંધીજીના વિચારોમાંથી પ્રેરણા લઈને નશા જેવી સામાજીક બદીનો ત્યાગ કરવો જોઈએ. સ્વસ્થ જીવનશૈલી અપનાવીને રાષ્ટ્રના વિકાસમાં પોતાનું સકારાત્મક યોગદાન આપવું જોઈએ.