પંચમહાલ જીલ્લામાં “સ્વસ્થ ભવિષ્ય માટે આયુર્વેદ થીમ આધારિત ૧૧મા રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ભવ્ય અને આરોગ્યપ્રદ ઉજવણી

નિયામક, આયુષની કચેરી – ગાંધીનગર તેમજ જીલ્લા આયુર્વેદ અધિકારી, જીલ્લા પંચાયત – પંચમહાલના માર્ગદર્શન હેઠળ સમગ્ર જીલ્લામાં ૧૧મા રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ ૨૦૨૬ની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી હતી. આ ઉજવણીના ભાગ‚પે આયુર્વેદ શાખા, પંચમહાલ હસ્તકના ૧૬ આયુર્વેદિક અને ૦૬ હોમિયોપેથિક દવાખાનાઓ દ્વારા જીલ્લાના વિવિધ વિસ્તારોમાં નાગરિકોના સ્વાસ્થ્ય વર્ધન માટે અનેકવિધ આરોગ્યલક્ષી પ્રવૃત્તિઓ યોજવામાં આવી હતી.

ચાલુ વર્ષે સ્વસ્થ ભવિષ્ય માટે આયુર્વેદ ની વિશેષ થીમ અંતર્ગત આયોજીત આ કાર્યક્રમોમાં લોકો પ્રાચીન ભારતીય ચિકિત્સા પદ્ધતિ આયુર્વેદને દૈનિક જીવનમાં અપનાવે તે માટે ખાસ અપીલ કરવામાં આવી હતી. તે સાથે નિષ્ણાતો દ્વારા આયુર્વેદના દિનચર્યા અને ઋતુચર્યાના મૂળભૂત સિદ્ધાંતોનું પાલન કરીને રોગમુક્ત અને સ્વસ્થ જીવન કેવી રીતે જીવી શકાય તે અંગે ઉપસ્થિત નાગરિકોને સરળ ભાષામાં વિસ્તૃત માર્ગદર્શન પૂ‚ં પાડવામાં આવ્યંક હતું.

આ ઉજવણી દરમિયાન જીલ્લાભરમાં વિવિધ સ્થળોએ વ્યાપક સ્તરે સરાહનીય કામગીરી કરવામાં આવી હતી, જેમાં મુખ્યત્વે ૩૪ આયુષ નિદાન અને સારવાર કેમ્પ યોજી દર્દીઓની તપાસ કરવામાં આવી હતી. આ ઉપરાંત લોકોમાં સ્વસ્થ જીવનશૈલી કેળવાય તે હેતુથી ૨૧ સ્વસ્થવૃત્ત શિબિર અને ૪૭ યોગ શિબિરોનું સફળ આયોજન કરાયું હતું. પર્યાવરણ અને કુદરતી ઔષધો પ્રત્યે જાગૃતિ લાવવા ૫ સ્થળોએ ઔષધીય રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું તથા આયુર્વેદિક ચિકિત્સા અને તેના ફાયદાઓ દર્શાવતા ૪ ચાર્ટ પ્રદર્શન યોજવામાં આવ્યા હતા. આ તમામ આરોગ્યલક્ષી પ્રવૃત્તિઓમાં મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકોએ હાજરી આપી નિદાન, સારવાર અને માર્ગદર્શનનો લાભ લીધો હતો.