
ભારતની ધરતી પર પ્રતિભાઓની કોઈ કમી નથી. આજે દેશના ખૂણે-ખૂણેથી, નાના ગામડાઓથી લઈને મોટા શહેરો સુધી, યુવાનો રમતગમત ક્ષેત્રે પોતાની આગવી ઓળખ બનાવી રહ્યા છે. આ વાતને સાબિત કરી બતાવી છે પાલિતાણાના મોટી પાણીયાળીના વતની કુલદીપસિંહ વાળાએ. તેમણે દક્ષિણ આફ્રિકાની ધરતી પર યોજાયેલી વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીતીને માત્ર ભાવનગર કે ગુજરાતનું જ નહીં, પરંતુ સમગ્ર ભારતનું નામ રોશન કર્યું છે.
તાજેતરમાં દક્ષિણ આફ્રિકાના મોસલ બે ખાતે આંતરરાષ્ટ્રીય કક્ષાની ’વર્લ્ડ ચેમ્પિયનશિપ’ યોજાઈ હતી. આ ચેમ્પિયનશિપમાં વિશ્ર્વના વિવિધ દેશોના ધુરંધર ખેલાડીઓએ ભાગ લીધો હતો. અહીં યોજાયેલી ’ટ્રાયથલ’ સ્પર્ધા અત્યંત કઠિન માનવામાં આવે છે, કારણ કે તેમાં એક્સાથે ત્રણ અલગ-અલગ પ્રકારની શારીરિક ક્સોટીઓમાંથી પસાર થવું પડે છે.
કુલદીપસિંહ વાળાએ આ કઠિન સ્પર્ધામાં અદભુત પ્રદર્શન કર્યું હતું. આ સ્પર્ધામાં ૩ કિલોમીટરની દોડ, સમુદ્રના ઉછળતા મોજાઓ વચ્ચે ૨૦૦ મીટરનું સ્વિમિંગ અને ત્યારબાદ ગન દ્વારા શૂટિંગનો સમાવેશ થતો હતો. કુલદીપસિંહે પોતાના સાથી ખેલાડીઓ, મયપ્રદેશના યશ બાથરે અને ગોવાના ઉદ્દેશ માજીક સાથે મળીને ટીમ ઇવેન્ટમાં ભાગ લીધો હતો. આ ત્રણેયની બનેલી ભારતીય ટીમે જોરદાર તાલમેલ અને સાહસનું પ્રદર્શન કરીને સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો અને વિદેશી ધરતી પર ભારતનો તિરંગો શાનથી લહેરાવ્યો હતો.કુલદીપસિંહે આ પહેલાં પણ અનેક સ્થાનિક, જિલ્લા અને રાજ્ય કક્ષાની સ્પર્ધાઓમાં ભાગ લઈને ટ્રોફીઓ અને પ્રમાણપત્રો જીત્યા છે. ઘરઆંગણે મળેલી આ સફળતાઓ અને સતત પરિશ્રમે તેમને આંતરરાષ્ટ્રીય કક્ષા સુધી પહોંચવાનો આત્મવિશ્ર્વાસ પૂરો પાડ્યો હતો.
કોઈપણ મોટી સફળતા રાતોરાત નથી મળતી, તેની પાછળ વર્ષોની મહેનત અને યોગ્ય માર્ગદર્શન હોય છે. કુલદીપસિંહ નાનપણથી જ રમતગમત ક્ષેત્રે ઊંડો રસ ધરાવતો હતો. તેમના પિતા બી.એ. વાળા, જેઓ હાલ શેત્રુંજી ડેમ કેન્દ્રવતી શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવે છે, તેમણે પુત્રની પ્રતિભાને પારખી હતી. કુલદીપસિંહને તેમના પિતા અને કોચ બી.એ. વાળા તેમજ અન્ય કોચ અંકુરસિંહનું સતત અને સચોટ માર્ગદર્શન મળતું રહ્યું હતું.
કુલદીપસિંહની આ સિદ્ધિ વર્તમાન ભારતના બદલાતા ચિત્ર બતાવી રહ્યું છે. હાલના સમયમાં દેશભરમાં રમતગમત પ્રત્યે જાગૃતિ વધી છે. વિદ્યાર્થીઓ હવે માત્ર પુસ્તકિયા જ્ઞાન પૂરતા સીમિત ન રહેતા ક્રિકેટ, કબડ્ડી, ફૂટબોલ, એથ્લેટિક્સ, સ્વિમિંગ અને શૂટિંગ જેવી રમતોમાં પણ કારકિર્દી બનાવી રહ્યા છે. ગામડાના અંતરિયાળ વિસ્તારોમાંથી આવતા યુવાનો સુવિધાઓના અભાવ વચ્ચે પણ પોતાની મહેનતથી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ મેડલ જીતી રહ્યા છે. કુલદીપસિંહ જેવા યુવાનો સાબિત કરે છે કે, જો દ્રઢ મનોબળ હોય તો ગામડાની ધૂળમાંથી ઉઠીને પણ વિશ્ર્વના ફલક પર ચમકી શકાય છે.