ગુજરાતમાં નાગરિકોના જીવનસ્તરને વધુ સુખાકારીપૂર્ણ બનાવવા અને સરકારી યોજનાઓના અસરકારક અમલીકરણ માટે રાજ્ય સરકારે એક વધુ મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશા-નિર્દેશન હેઠળ સી.એમ. ડેશબોર્ડ મારફતે ગવર્નન્સ પર્ફોર્મન્સ ઇન્ડેક્સ (જીપીઆઇ) અમલમાં મૂકવામાં આવ્યો છે, જે રાજ્યના વિવિધ વિભાગોની કામગીરીનું સર્વગ્રાહી મૂલ્યાંકન કરશે.
નાગરિક કેન્દ્રિત શાસન સુનિશ્ર્ચિત કરવા માટે રાજ્ય સરકારના વિવિધ વિભાગોની કામગીરીને એક જ ઇન્ટીગ્રેટેડ પ્લેટફોર્મ પર લાવવાની પહેલ રૂપે સી.એમ. ડેશબોર્ડ વિક્સાવવામાં આવ્યો છે. આ ડેશબોર્ડ દ્વારા સરકારના વિભાગો દ્વારા અમલમાં મુકાતી યોજનાઓ, સેવાઓ, વિકાસલક્ષી કામો, ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ અને ફરિયાદ નિવારણની કામગીરીનું રિયલ-ટાઈમ મોનિટરિંગ શક્ય બન્યું છે.
ગુજરાતમાં સુશાસનના રોલ મોડલ તરીકે સ્થાપિત થયેલી પરંપરા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વકાળથી વિક્સતી આવી છે. આ પરંપરાને આગળ ધપાવતાં સી.એમ. ડેશબોર્ડનો અમલ કરવામાં આવ્યો છે, જે ટેકનોલોજીના સચોટ ઉપયોગ દ્વારા સરકાર અને નાગરિક વચ્ચેનું અંતર ઘટાડે છે. આ પ્લેટફોર્મ દેશના અન્ય રાજ્યો માટે પણ ઉદાહરણરૂપ બની રહ્યું છે જીપીઆઇ એટલે કે ગવર્નન્સ પર્ફોર્મન્સ ઇન્ડેક્સ એ રાજ્ય સરકારના વિવિધ વિભાગોની કામગીરી માપવાનો એક વ્યાપક માપદંડ છે. તેમાં યોજનાઓના અમલ, સમયસર સેવા વિતરણ, ફરિયાદ નિવારણની ઝડપ, વિકાસ પ્રોજેક્ટની પ્રગતિ અને નાગરિક સંતોષ જેવા મહત્વપૂર્ણ પેરામીટર્સનો સમાવેશ થાય છે. આ ઇન્ડેક્સથી વિભાગોની જવાબદારી અને પારદશતા બંનેમાં વધારો થાય છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અયક્ષસ્થાને ગાંધીનગરમાં વિવિધ વિભાગોની જીપીઆઇ આધારિત કામગીરીની ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મુખ્ય સચિવ એમ.કે. દાસ, મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર ડૉ. હસમુખ અઢિયા, સલાહકાર એસ.એસ. રાઠૌર સહિત અનેક વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા. આ સમીક્ષા બેઠકમાં સરદાર સરોવર નર્મદા વિભાગના અયક્ષ મુકેશ પુરી, કૃષિ, ઉર્જા અને નર્મદા જળસંપત્તિ વિભાગના અધિક મુખ્ય સચિવો, આદિજાતિ વિકાસ અને શ્રમ-રોજગાર વિભાગના અગ્ર સચિવો તથા મુખ્યમંત્રીના અધિક અગ્ર સચિવ મતી અવંતિકા સિંઘ, સચિવ ડૉ. વિક્રાંત પાંડે, માર્ગ મકાન વિભાગના સચિવ પટેલિયા સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બેઠક દરમિયાન સ્પષ્ટ કર્યું કે સરકારની દરેક યોજના અને સેવા નાગરિકોના જીવનનિર્વાહની સરળતા વધારવાના હેતુથી અમલમાં મૂકવી જોઈએ. જીપીઆઇ મારફતે વિભાગોને તેમના પ્રદર્શન સુધારવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું અને કામગીરીમાં વધુ ગતિ લાવવા માટે સૂચનો કરવામાં આવ્યા.
સી.એમ. ડેશબોર્ડ અને જીપીઆઇ જેવી પહેલો રાજ્ય સરકારની પારદશતા, જવાબદારી અને પરિણામલક્ષી શાસન પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે. રિયલ-ટાઈમ ડેટા અને કામગીરીના મૂલ્યાંકનથી નિર્ણય પ્રક્રિયા વધુ અસરકારક બની રહી છે. ગુજરાત સરકારની આ ટેકનોલોજી આધારિત ગવર્નન્સ મોડેલ દેશના અન્ય રાજ્યો માટે પણ પ્રેરણારૂપ સાબિત થઈ રહ્યો છે. જનહિતલક્ષી યોજનાઓના મૂલ્યાંકન અને અમલીકરણ માટે સી.એમ. ડેશબોર્ડ એક મજબૂત પ્લેટફોર્મ તરીકે ઉભરી આવ્યો છે