
શું રૈયોલીથી જેઠોલી સુધીનો રસ્તો ગુજરાતમાં નથી? સ્થાનિકોનો તંત્રને વેધક સવાલ.
બાલાસિનોરથી રૈયોલી થઈ જેઠોલી તરફ જતો મુખ્ય માર્ગ છેલ્લા કેટલાય સમયથી બિસ્માર હાલતમાં છે. માર્ગ પર ઠેર-ઠેર મોટા ખાડાઓ પડી જતાં વાહનચાલકોની હાલત કફોડી બની છે. ખાસ કરીને રૈયોલીથી જેઠોલી તરફના માર્ગ પર ખાડાઓ એટલા ગંભીર છે કે વાહનચાલકોને જાણે કમરતોડ પરીક્ષા આપવી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.
એક તરફ માર્ગના કેટલાક એવા સ્થળોએ, જ્યાં તાત્કાલિક મરામતની ખાસ જરિયાત દેખાતી નથી, ત્યાં ડામરકામ કરવામાં આવે છે, તો બીજી તરફ જ્યાં રસ્તો સંપૂર્ણપણે તૂટી ગયો છે અને ઊંડા ખાડાઓ પડી ગયા છે ત્યાં કોઈ કામગીરી થતી નથી. આ કામગીરી સામે હવે લોકોમાં સવાલ ઊઠી રહ્યો છે કે રસ્તો ક્યાં મરામત કરવો તેની ખબર તંત્રને નથી કે પછી આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે?
સ્થાનિકોનો સીધો સવાલ છે કે, બાલાસિનોરથી રૈયોલી સુધી જ રસ્તો ગુજરાત રાજ્યમાં આવે છે કે શું? રૈયોલીથી જેઠોલી સુધીનો માર્ગ ગુજરાત રાજ્યમાં આવતો નથી કે શું? જો આ માર્ગ પણ જાહેર માર્ગ વ્યવસ્થાનો જ ભાગ છે તો તેની મરામત કરવામાં આટલી ઉદાસીનતા શા માટે? આ માર્ગ પરથી દરરોજ મોટી સંખ્યામાં લોકો, વિદ્યાર્થીઓ, ખેડૂતો અને વાહનચાલકો અવરજવર કરે છે. રસ્તા પર પડેલા ખાડાઓને કારણે અકસ્માતનો ગંભીર ભય ઉભો થયો છે. ખાસ કરીને રાત્રિના સમયે ખાડાઓ દેખાતા ન હોવાથી દ્વિચક્રી વાહનચાલકો માટે જીવનું જોખમ વધી રહ્યું છે. આ બાબતે સ્થાનિકો દ્વારા વારંવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં જવાબદાર તંત્ર દ્વારા નક્કર કામગીરી કરવામાં આવી નથી. રજૂઆતોના ઢગલા છતાં અધિકારીઓના પેટનું પાણી પણ ન હલતું હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. લોકો હવે માંગ કરી રહ્યા છે કે, સંબંધિત વિભાગના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર આવીને માર્ગની વાસ્તવિક સ્થિતિનું નિરીક્ષણ કરે અને માત્ર કાગળ પર નહીં પરંતુ જમીન પર દેખાય તેવી ગુણવત્તાયુક્ત મરામત કામગીરી તાત્કાલિક શ કરવામાં આવે. જો સમયસર આ માર્ગના ખાડાઓ પૂરવામાં નહીં આવે અને કોઈ ગંભીર અકસ્માત સર્જાય તો તેની જવાબદારી કોની રહેશે? તેવો સવાલ પણ હવે સ્થાનિકોમાં ઉગ્ર બન્યો છે.
તંત્રને ચેતવણીપ માંગ…
બાલાસિનોરથી રૈયોલી તથા રૈયોલીથી જેઠોલી સુધીના સમગ્ર માર્ગનું તાત્કાલિક સર્વેક્ષણ કરી, જ્યાં જર હોય ત્યાં યોગ્ય રીતે ડામરકામ કરવામાં આવે અને જોખમી ખાડાઓ તાત્કાલિક પૂરવામાં આવે. નહીં તો આગામી દિવસોમાં ગ્રામજનો અને વાહનચાલકો દ્વારા ઉગ્ર રજૂઆત કરવાની ફરજ પડશે.