
શહેરમાં વૃદ્ધાઓને ટાર્ગેટ કરી કાનમાં પહેરેલી સોનાની કડી તોડી ફરાર થતી ટોળકી ઝડપાઈ છે. ઇસનપુર પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી પાંચ ગુનાનો ભેદ ઉકેલ્યો. મહત્વનું છે કે આરોપીઓ ધોળા દિવસે ગુનાને અંજામ આપી નાસી છૂટતા હતા. જોકે આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ સામે આવતા પોલીસે આરોપીઓ વિરુદ્ધ વધુ પુરાવા એકઠા કરવાની કાર્યવાહી શરૂ કરી છે. આ બનાવ સામે આવ્યા બાદ શહેરમાં હાલ ચકચાર મચી જવા પામી છે.
ઇસનપુર પોલીસે હરમાસ ઉર્ફે ટનટન શેખ, મોહમ્મદ નવાજ ઉર્ફે સલમાન શેખ અને મોસીન ઉર્ફે ચીના રંગરેજ નામના ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. ઝડપાયેલા ત્રણેય આરોપીઓ પાસેથી પોલીસે સોનાની પાંચ કડી ઉપરાંત એક બાઈક સહિત કુલ ૧,૧૫,૦૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો છે અને કડી સ્નેચિંગના પાંચ ગુનાનો ભેદ ઉકેલ્યો. મહત્વનું છે કે આરોપીઓ ધોળા દિવસે જાહેર રોડ પરથી પસાર થતી વૃદ્ધ મહિલાઓને ટાર્ગેટ કરતા અને તેમણે પહેરેલી સોનાની કડી ઝૂંટવી ફરાર થતા હતા. પોલીસે બનાવના સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓને ઝડપી વધુ કાર્યવાહી શરૂ કરી છે.
સોનાની કડી ઝૂંટવી લેતા આરોપીઓની ધરપકડ કરી તપાસ કરતા સામે આવ્યું કે મોસીન ઉર્ફે ચીના રંગરેજ આ ટોળકીનો મુખ્ય સાગરીત છે. મોસીન અલગ અલગ ગુના કરવા અલગ અલગ વ્યક્તિને બાઈક ચલાવવા માટે લઈ જતો અને તે કડી ઝૂંટવી લેતો હતો. પોલીસે આરોપીઓ પાસેથી પાંચ સોનાની કડી કબજે કરી છે. પરંતુ આરોપીઓની તપાસમાં મોહમ્મદ નવાઝ અને મોસીન ઉર્ફે ચીનાનો ગુનાહિત ભૂતકાળ પણ સામે આવ્યો છે. જેથી પોલીસે આરોપીઓ વિરુદ્ધ વધુ તપાસ શરૂ કરી છે.
ઉલ્લેખનીય છે કે કડી ચોરી લેતા આરોપીઓની તપાસ કરતા સામે આવ્યું કે ચોરીનો મુદ્દામાલ એટલે કે સોનાની કડી માર્કેટમાં વહેંચી રૂપિયા મેળવી લેવાની ફિરાકમાં હતા. જો કે તે પહેલા જ પોલીસે આરોપીઓની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ તપાસ દરમિયાન હજી પણ અનેક ગુનાનો ભેદ ઉકેલાય તેવી શક્યતા છે.