
જીલ્લા ભાજપના પ્રમુખ સહીત પાંચ લોકોએ શહેરના મવડીપ્લોટમાં રહેતા વેપારી સાથે ક્રીપ્ટો કરન્સીમાં રોકાણમાં ઉચા વળતરની લાલચ આપી રૂપિયા.૮.૨૮ કરોડની છેતરપિંડી કર્યાના આક્ષેપ થયા છે. આ અંગેની અરજી પોલીસ કમિશ્ર્નર સમક્ષ કરવામાં આવતા આ મામલે તપાસના આદેશ આપવા આવ્યા છે. અરજીમાં કરેલ આક્ષેપ મામલે પોલીસે તપાસ શરૂ કરી છે.
મળતી માહિતી મુજબ મુજબ મહેશ નાનજીભાઈ હિરપરા મવડી મેઈન રોડ ઉપર બાપા સીતારામ ચોક નજીક દીપ જ્યોત પાર્ક, શેરી નં. ૧માં રહે છે. ગઈકાલે પોલીસ કમિશ્ર્નર બ્રજેશ કુમાર ઝાને ઉદેશીને મહેશ નાનજીભાઈ હિરપરાએ કરલી અરજીમાં રામ પાર્ક પાસે, નવનીત હોલ પાસે. હરીધવા રોડ, કોઠારીયા રોડ ઉપર વિક્રાંતી નગરમાં રહેતા દર્પણ હરેશભાઈ બારસીયા, ઇન્દિરા સર્કલ પાસે આફ્રિકા કોલોની શેરી નં. ૪માં રહેતા પરેશ ડોબરીયા, ૧૫૦ ફૂટ રિંગ રોડ નાના મૌવા રોડ આર. કે. પ્રાઈમ બિલ્ડીંગમાં ૧૧ માં માળે ઓફિસ નં. ૧૧૦૨ ધરાવતા ગૌતમ પરસોતમભાઈ બારસીયા, ૧૫૦ ફૂટ રીંગ રોડ ગોવર્ધન ચોક કૃતિ ઓનેલાની બાજુમાં સ્કાય હાઈટ્સમાં રહેતા સંદીપ સેખલીયા અને જીલ્લા ભાજપના પ્રમુખ અલ્પેશ ગોવિંદભાઈ ઢોલરીયાનું નામ આપ્યું છે.
આ દરમિયાન જિલ્લા ભાજપ પ્રમુખ અને ગોંડલ માર્કેટીંગ યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરિયાનું કહેવું છે કે હું અરજી કરનાર ફરીયાદીને ઓળખતો નથી અને મારે તેની સાથે કોઈ પરિચય નથી આ મામલે મે પોલીસ કમીશ્ર્નર સાથે ટેલીફોનીક વાતચીત કરી છે. મારા વિરુદ્ધ અરજી કરનાર સામે ૧૦ કરોડનો દાવો દાખલ કરવાનો છું, હું ક્યારેય ફરીયાદી મહેશ હીરપરાને મળ્યો નથી અને આ મામલે મારે કોઈ લેવા-દેવા નથી, ગોંડલ માર્કેટીંગ યાર્ડના ચેરમેન તથા જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરિયાઆએ આ એક રાજકીય ષડયંત્ર હોવાનું કહ્યું હતું.
અરજીમાં મહેશ હીરપરાને જણાવ્યું છે કે દર્પણ હરેશભાઈ બારસીયા જે જિલ્લા ભાજપ કારોબારી સભ્ય છે તથા ગૌતમ પરસોતમભાઈ બારસીયા એ જિલ્લા યુવા ભાજપ ઉપપ્રમુખ છે. અગાઉ માર્ચ ૨૦૨૫માં એકબીજા સાથે ઓળખાણ થઇ હતી. મુંબઈ ખાતે ડ્રેસ મેન્યૂફેકચરીંગનું કામકાજ કરતા હરીક્રષ્ણ મહેન્દ્રભાઈ પટેલ ઉર્ફે હરી પટેલ મારફત સાળા નિલેષ વશરામભાઈ વેકરીયા તથા મહેશ હીરપરાનો સંપર્ક થયો હતો.
તેઓ શેરબજાર તથા ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરીને સારો એવો પ્રોફિટ મેળવી આપે છે તેવું જણાવીને મહેશ હિરપરાને રોકાણ કરવા જણાવેલ જેથી હરી પટેલ મારફત ૮ લાખનું રોકાણ કર્યું હતું. આ રકમ થોડા દિવસમાં પરત કરી દીધેલ હતી. ત્યારબાદ મહેશ હિરપરાને ૮ કરોડનું રોકાણ કરો તો બે દિવસ માં ૧૦ ટકા વળતરની લાલચ આપી હતી.
જેથી મહેશ હિરપરાએ નિખિલ પરસોતમભાઈ સોરઠીયા પાસેથી રકમ રૂપિયા ૭૫,૦૦,૦૦૦ નીલેશ વશરામભાઈ વેકરીયા પાસેથી રકમ રૂપિયા. ૫૦,૦૦,૦૦૦, નાનજીભાઈ લક્ષ્મણભાઈ હિરપરા પાસેથી રકમ રૂપિયા ૫૦,૦૦,૦૦૦, રાજુભાઈ ગોરધનભાઈ પાંભર પાસેથી રકમ રૂપિયા ૧૫,૦૦,૦૦૦, મહેન્દ્ર નાનજીભાઈ હિરપરા પાસેથી રકમ રૂપિયા ૧૫,૦૦,૦૦૦, વિશાલ મેણંદભાઈ આહીર પાસેથી રકમ રૂપિયા ૩૩,૪૬,૦૦૦ તથા હરી પટેલ દ્વારા અન્ય લોકો પાસેથી ઉછીના લઈને રકમ રૂ. એક કરોડ તથા મહેશ હિરપરા દ્વારા રકમ રૂપિયા ૯૦,૦૦,૦૦૦ એમ મળીને કુલ રકમ રૂપિયા ૪,૨૮,૪૬,૦૦૦ રોકાણ કર્યું હતું.