
મહાત્મા ગાંધીના જીવન અને વિચારધારા પર માર્ગદર્શન અપાયું ફરી ગુનો ન કરવાની સમજણ આપી.
ગાંધી જયંતી નિમિત્તે ૨ ઓક્ટોબરે ગોધરા સબ જેલ ખાતે ઉજવણી કરાઈ હતી. આ પ્રસંગે બંદીવાનોને અહિંસા, સત્ય અને સ્વચ્છતા જાળવવાની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી.
જેલોના વડા ડીજીપી ડો. કે.એલ.એન. રાવ અને વડોદરા ઝોનના નાયબ પોલીસ મહાનિરીક્ષક સરોજ કુમારીના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ યોજાયો. ગોધરા સબ જેલના અધિક્ષક આર.બી. મકવાણાની સૂચના અનુસાર વકીલ રમજાની જુજારા, જેલ સ્ટાફ અને બંદીવાનો હાજર રહ્યા.
આ પ્રસંગે મહાત્મા ગાંધીજીના જીવન અને તેમની વિચારધારા અંગે બંદીવાનોને માર્ગદર્શન અપાયું. તેમને ફરીથી ગુનો ન કરવા અંગે પણ સમજણ આપવામાં આવી. એક કાચા આરોપીએ ગાંધીજીના જીવન પર એકપાત્રીય અભિનય રજૂ કર્યો. કાર્યક્રમના અંતે જેલ પ્રશાસન દ્વારા પ્રસાદીનું વિતરણ કરી સમાપન કરાયું.