કાલોલ તાલુકાના અંબાલા ચોકડી નર્મદા કેનાલ પાસે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. કાનોડ મોકળ તરફથી પુરઝડપે અને ગફલતભરી રીતે આવી રહેલી અલ્ટો કારના ચાલકે બાઇકને જોરદાર ટક્કર મારતાં બાઇક પર સવાર ત્રણ યુવકો ઈજાગ્રસ્ત થયા હતા. આ મામલે કાલોલ પોલીસ સ્ટેશનમાં કાર ચાલક વિરૂદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ, ગોધરા તાલુકાના ગોલી ગામના રહીશ હરેશકુમાર સાનતસિંહ બારીઆ તથા તેમના ભાઈ અને અન્ય મિત્રો પોતપોતાની મોટરસાયકલ પર હાલોલના ચંદ્રપુરા સ્થિત સીસકેમ ફ્લેટ ગ્લાસ કંપનીમાં નોકરી પર જઈ રહ્યા હતા. બપોરના આશરે બે વાગ્યાના સુમારે અંબાલા ચોકડી પાસે પહોંચતા જ એક અલ્ટો કાર (રજીસ્ટ્રેશન નં.GJ-09-BA-5769 )ના ચાલકે ગફલતભરી રીતે વાહન હંકારીને આગળ જઈ રહેલી બાઇક (રજીસ્ટ્રેશન નં.GJ-17-CC-3425)ને અડફેટે લીધી હતી.
આ અક સ્માતમાં બાઇક ચલાવી રહેલા રૂપસીંગભાઈ નારસીંગભાઈ ડોડવા (રહે. ટુવા નવી વસાહત) તેમજ પાછળ બેઠેલા અતુલકુમાર જીતેન્દ્રભાઈ બારીઆ અને મહેન્દ્રકુમાર રણજીતસિંહ બારીઆ (બંને રહે. ગોલી) નીચે પટકાતા શરીરે નાની-મોટી અને માથાના ભાગે ઈજાઓ પહોંચી હતી.
ઘટના બનતા જ ઈજાગ્રસ્તોને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ગોધરાની શિવમ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ઈજાગ્રસ્તોની સારવાર ચાલુ હોવાથી અને પરિવારજનો સારવારમાં રોકાયેલા હોઈ, બાદમાં હરેશકુમાર બારીઆએ કાલોલ પોલીસ મથકે પહોંચી અલ્ટો કારના અજાણ્યા/ચાલક વિરૂ દ્ધ ફરિયાદ નોંધાવી હતી.
કાલોલ પોલીસે આ મામલે બી.એન.એસ (BNS) ની કલમ ૨૮૧, ૧૨૫(ફ) તથા મોટર વાહન અધિનિયમની કલમ ૧૭૭, ૧૮૪ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર ધીરેન્દ્રકુમાર જાદવને સોંપી છે.