હાલોલની ગુજરાત સરકાર મોડલ સ્કુલની પ્રવેશ સમયની એક ભૂલને કારણે વિદ્યાર્થિનીના વર્ષો બગડ્યા : હવે દસમાનો અભ્યાસ કરે કે બારમાનો…

હાલોલની ગુજરાત સરકાર મોડલ સ્કુલની ઘોર બેદરકારી સામે આવી છે. વર્ષ 2019માં ધોરણ 10માં નાપાસ વિદ્યાર્થિનીને (Student) ધો.11માં પ્રવેશ આપવામાં આવ્યો હતો. જે બાદ ધોરણ 11માંની પાસની માર્કશીટ આપવામાં આવી દેવામાં આવી છે. જે બાદ આ વિદ્યાર્થિની જ્યારે ધોરણ 12નું ફોર્મ ભરવા ગઇ ત્યારે પ્રિન્સિપલે કહ્યું કે, વિદ્યાર્થિની તો પરીક્ષા આપી શકશે નહીં કારણ કે, તે દસમાની પરીક્ષામાં નાપાસ છે. ત્યારે સવાલ એ છે કે, આ ગુજરાત સરકાર મોડલ સ્કુલે ઘોરણ 11માંનાં વર્ગમાં ધોરણ 10નું પરિણામ જોયા વગર જ પ્રવેશ આપી દીધો હશે?

હાલોલની વિદ્યાર્થીનીએ વર્ષ 2019માં ધોરણ 10ની પરીક્ષા આપી હતી. બોર્ડ દ્વારા અપાયેલી માર્કશીટમાં ‘નીડ ઈમ્પ્રુવમેન્ટ’ નો સ્પષ્ટ ઉલ્લેખ કરાયો હતો. તેમ છતાં હાલોલની મોડેલ સરકારી સ્કૂલે 10માં ધોરણમાં નાપાસ વિદ્યાર્થિનીને અગિયારમાં ધોરણમાં પ્રવેશ આપ્યો.

આ ઉપરાંત ગુજરાત સરકાર મોડલ સ્કુલ દ્વારા એડમિશન આપ્યા બાદ ધોરણ 11 પાસની માર્કશીટ પણ વિધાર્થિનીને આપી છે. આ વર્ષે વિદ્યાર્થિની ધોરણ 12ની પરીક્ષા માટે ફોર્મ ભરવા જતાં સમગ્ર બાબત પ્રકાશમાં આવી હતી.

‘હું અત્યારે બારમા ધોરણમાં છું’

આ અંગે વિધાર્થિની આશાબેન રાઠવા જણાવે છે કે, “હું જ્યારે 12 ધોરણનું ફોર્મ ભરવા ગઇ ત્યારે મને સાહેબે કહ્યું કે, તું દસમા ધોરણમાં નાપાસ છે તેથી તારાથી આ પરીક્ષા નહીં અપાય. હું અગિયારમાં ધોરણમાં પણ પાસ થઇ ગઇ છું અને અત્યારે બારમા ધોરણનો અભ્યાસ કરું છું.”

‘હવે પ્રિન્સિપલ કહે છે કે બારમાની પરીક્ષા ન અપાય’

વિદ્યાર્થિનીનાં વાલી, ભલાભાઈ રાઠવાએ જણાવ્યું કે, “મારી છોકરીએ દસમાની પરીક્ષા આપી પછી મોડલ હાઇસ્કુલમાં અગિયારમું કર્યું તેમાં પાસ થઇ પછી જ્યારે બારમા ધોરણનું ફોર્મ ભરવા ગઇ ત્યારે પ્રિન્સિપલ કહે છે કે, તે તો દસમામાં નાપાસ થઇ છે. તેણે અગિયારમું મોડલ હાઇસ્કુલમાં કર્યું અને બારમું ત્યાં જ કરે છે. અગિયારમાં પણ પાસ થઇ ગઇ છે. હવે અમારે શું કરવું આ શાળામાં એડમિશન મળ્યા પછી મારી છોકરીએ મહેનત કરી અને અગિયારમું પાસ કર્યું અને બારમામાં પણ મહેનત કરી રહી છે.”

હાલ વિદ્યાર્થિની અને તેના પરિવારમાં જાણે આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ છે. તેમને ખબર જ નથી પડી રહી કે, હવે દસમાનો અભ્યાસ કરે કે બારમાનો. શાળામાં પ્રવેશ સમયની એક ભૂલને કારણે વિદ્યાર્થિનીના વર્ષો બગડ્યા છે.