મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો ન્યૂયોર્ક પ્રવાસઃ વાઇબ્રન્ટ ગુજરાત ૨૦૨૭ પૂર્વે વિદેશી રોકાણકારો સાથે ‘વન ટુ વન’ બેઠકોનો દોર

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૭ના પૂર્વાર્ધરૂપે યુનાઇટેડ સ્ટેટ્‌સના પ્રવાસે ગયેલા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રવાસના પાંચમા દિવસે ન્યૂયોર્કમાં વિશ્વની દિગ્ગજ કંપનીઓના વડાઓ સાથે મહત્વપૂર્ણ ‘વન ટુ વન’ બેઠકો કરી હતી. આ બેઠકો દરમિયાન આઇ.ટી. ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એસેટ મેનેજમેન્ટ અને ન્યુક્લિયર એનર્જી ક્ષેત્રની અગ્રણી વૈÂશ્વક કંપનીઓએ ગુજરાતમાં રોકાણ, સંશોધન અને સ્કીલિંગ માટે મોટો રસ દાખવ્યો હતો. મુખ્યમંત્રીએ રાજ્યમાં સેમિકન્ડક્ટર, એ.આઈ., ડેટા સેન્ટર અને ગિફ્ટ સિટીની વર્લ્ડ-ક્લાસ ઇકોસિસ્ટમનો ચિતાર રજૂ કરીને તમામ વૈÂશ્વક દિગ્ગજાને આગામી વાઇબ્રન્ટ સમિટમાં સહભાગી થવા આમંત્રણ આપ્યું હતું.

બેઠકોની શૃંખલામાં મુખ્યમંત્રીએ વિશ્વની સૌથી મોટી આઇ.ટી. ઇન્ફ્રાસ્ટ્રક્ચર સર્વિસ પ્રોવાઇડર કંપની ‘કિન્ડ્રીલ’ના ગ્લોબલ હેડ ઓફ ડિલિવરી ઝેકર્સેસ કુપર સાથે ફળદાયી ચર્ચા કરી હતી. આ બેઠકમાં કિન્ડ્રીલે રાજ્યના વિદ્યાર્થીઓ અને સ્ટાર્ટઅપ્સને એઆઇ સ્ટ્રેટેજીસ, સ્કીલિંગ, નોલેજ શેરિંગ અને મેન્ટરશીપ પૂરી પાડવા માટે ગુજરાત સરકાર સાથે ભાગીદારી કરવાની ઉત્સુક્તા દર્શાવી હતી. સામે પક્ષે મુખ્યમંત્રીએ ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન હોવાની ભૂમિકા સ્પષ્ટ કરતા જણાવ્યું હતું કે રાજ્ય સેમિકન્ડક્ટર, ઇલેક્ટ્રોનિક્સ અને એડવાન્સ મેન્યુફેક્ચરિંગ માટે વૈશ્વિક રોકાણકારોની પ્રથમ પસંદગી બની રહ્યું છે. ત્યારબાદ, વિશ્વની અગ્રણી એસેટ મેનેજમેન્ટ અને ઇટીએફ કંપની ‘બ્લેકરોક’ના સિનિયર મેનેજિંગ ડિરેક્ટર અને ગ્લોબલ હેડ સમારા કોહેન સાથે બેઠક યોજાઈ હતી.

મુખ્યમંત્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનથી આકાર પામેલા ગિફ્ટ સિટીની વિગતો આપતા જણાવ્યું કે તે ઇટીએફ અને એસેટ મેનેજમેન્ટ ક્ષેત્રે ગ્લોબલ હબ બનવાની સંપૂર્ણ ક્ષમતા ધરાવે છે. બ્લેકરોકે ડિજિટલ ઇન્વેસ્ટમેન્ટ અને રિસ્ક મેનેજમેન્ટ ક્ષેત્રે ગુજરાતના ઝડપથી વિકસતા અર્થતંત્ર સાથે જાડાવા તૈયારી દર્શાવી હતી.

ઉપરાંત, ન્યુક્લિયર પાવર પ્લાન્ટ માટે ફ્યુઅલ સ્ટોરેજ સોલ્યુશન્સ આપતી ‘હોલ્ટેક ઇન્ટરનેશનલ’ના સી.ઈ.ઓ. સાથે યોજાયેલી બેઠકમાં કંપનીએ ગુજરાતમાં સ્મોલ મોડ્યુલ રિએક્ટર્સનું ઉત્પાદન અને રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેન્ટર સ્થાપવામાં ઊંડો રસ દાખવ્યો હતો. મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, ગુજરાતની નવી ‘ઇન્ડસ્ટ્રીયલ પોલિસી-૨૦૨૬’ હેઠળ ન્યુક્લિયર પાવર ઇક્વપમેન્ટ્‌સને થ્રસ્ટ એરિયા તરીકે સ્થાન આપવામાં આવ્યું છે. આ ઉચ્ચસ્તરીય બેઠકોમાં રાજ્યના મુખ્ય સચિવ એમ. કે. દાસ તેમજ ગુજરાત ડેલિગેશનના વરિષ્ઠ સચિવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.