અમદાવાદમાં ૪૦૮ કિલો એનાલોગ પનીર ઝડપાયું, રાજસ્થાનથી લાવી સસ્તા ભાવે વેચવાનો કથિત પ્રયાસ

અમદાવાદમાં અન્ય રાજ્યમાંથી લો-ફેટ એનાલોગ પનીર લાવીને સસ્તા ભાવે વેચવાના કથિત કૌભાંડનો પર્દાફાશ થયો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગે કાંકરિયા વિસ્તારમાં કાર્યવાહી કરીને બે લક્ઝરી બસમાંથી કુલ ૪૦૮ કિલોગ્રામ એનાલોગ પનીરનો જથ્થો જપ્ત કર્યો છે.

પ્રાપ્ત માહિતી મુજબ, કાંકરિયા દેડકી ગાર્ડન નજીક આવેલા પે એન્ડ પાર્કિંગ પ્લોટમાં વહેલી સવારે ફૂડ વિભાગની ટીમે બે લક્ઝરી બસમાં તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન બસોમાં મોટા પ્રમાણમાં લો-ફેટ પનીરનો જથ્થો મળી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ જથ્થો રાજસ્થાનથી લક્ઝરી બસ મારફતે અમદાવાદ લાવવામાં આવ્યો હતો. ત્યારબાદ તેને શહેરમાં સસ્તા ભાવે વેચવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોવાની માહિતી સામે આવી છે.

ફૂડ વિભાગની કાર્યવાહી દરમિયાન નરોડા અને મણિનગર વિસ્તારના બે વ્યક્તિઓ આ પનીરનો જથ્થો લેવા માટે આવ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે. જાકે, આ જથ્થો ક્યાં અને કોને વેચવાનો હતો તેમજ તેની ગુણવત્તા અને ખાદ્ય સુરક્ષા અંગેના અન્ય પાસાં અંગેની તપાસ હજુ ચાલુ છે.

એએમસીના ફૂડ વિભાગે બસમાંથી મળી આવેલા અંદાજે ૪૦૮ કિલોગ્રામ પનીરના જથ્થાને સીઝ કરી દીધો છે. પનીરના સેમ્પલ લેવામાં આવી રહ્યા છે અને તેને લેબોરેટરીમાં તપાસ માટે મોકલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. લેબ ટેસ્ટના રિપોર્ટ બાદ પનીરમાં કયા ઘટકોનો ઉપયોગ કરવામાં આવ્યો છે, તે નિર્ધારિત ધોરણોને અનુરૂપ છે કે નહીં અને ખાદ્ય સુરક્ષાના નિયમોનું પાલન થયું છે કે નહીં તે અંગે વધુ સ્પષ્ટતા થશે.

અન્ય રાજ્યમાંથી મોટી માત્રામાં પનીર અમદાવાદ લાવીને ઓછા ભાવે વેચવાના પ્રયાસથી શહેરમાં વેચાતા પનીરની ગુણવત્તા અને તેના સ્ત્રોત અંગે પણ સવાલો ઊભા થયા છે. ખાસ કરીને દૂધમાંથી બનતા સામાન્ય પનીરની સરખામણીએ સસ્તા ભાવે મળતા એનાલોગ પનીરની રચના અને ગુણવત્તા અંગે ગ્રાહકોમાં જાગૃતિ જરૂરી બની છે.હાલ એએમસીના ફૂડ વિભાગની કાર્યવાહી બાદ સમગ્ર મામલે લેબ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. રિપોર્ટના આધારે આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.