સંખેડાના રતનપુર-રામપુરા રોડ પર પેચવર્કની કામગીરી શરૂ કરાઈ

સંખેડા તાલુકાના હાંડોદથી રતનપુર-રામપુરા રોડની લાંબા સમયથી ખરાબ હાલતને પગલે આખરે તંત્રએ કાર્યવાહી હાથ ધરી છે. માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) દ્વારા આ રોડ પર વેટ મિક્સ મટીરીયલથી પેચવર્કની કામગીરી શ‚ કરવામાં આવી છે. આ સાથે જ નવા રોડ માટે સરકારમાં દરખાસ્ત પણ રજૂ કરાઈ છે.

ચોમાસા દરમિયાન ભારે વરસાદને કારણે રતનપુર-રામપુરા રોડ પર ઠેર-ઠેર મોટા ખાડા પડી ગયા હતા. આના કારણે વાહનચાલકો, ખાસ કરીને ટુ-વ્હીલર ચાલકો અને શાળાના બાળકોને અવરજવરમાં ભારે મુશ્કેલી પડતી હતી અને અકસ્માતનો ભય પણ વધી ગયો હતો.ગ્રામજનોની સતત રજૂઆતો બાદ માર્ગ અને મકાન વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે ડામર અને વેટ મિક્સ મટીરીયલ લાવી પેચવર્ક હાથ ધરવામાં આવ્યું છે. વિભાગના કર્મચારીઓ દ્વારા યુદ્ધના ધોરણે ખાડા પુરવાની કામગીરી ચાલી રહી છે.

આ ઉપરાંત, માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) દ્વારા આ રોડને સંપૂર્ણપણે નવો બનાવવા માટે સરકારમાં દરખાસ્ત પણ રજૂ કરવામાં આવી છે. આ દરખાસ્ત મંજૂર થતાં ટૂંક સમયમાં નવા રોડનું નિર્માણ કાર્ય પણ શ‚ કરવામાં આવશે.પેચવર્ક શ‚ થતા સ્થાનિકોમાં રાહતની લાગણી જોવા મળી રહી છે. ગ્રામજનોએ જણાવ્યું કે સમારકામ પૂર્ણ થવાથી વાહન વ્યવહાર સરળ બનશે અને અકસ્માતનું જોખમ ઘટશે. તેમણે તંત્રનો આભાર માની નવો રોડ ઝડપથી મંજૂર થાય તેવી માંગ પણ કરી છે.