કાલોલ નગરપાલિકાના વોર્ડ નં.-૩માં આવેલા ઈન્દિરા નગર વિસ્તારની મહિલાઓ પાણી અને સ્વચ્છતાં સહિતની પ્રાથમિક સુવિધાઓની રજુઆત કરવા ૫ાલિકા કચેરીએ પહોંચી હતી. જોકે નગરપાલિકાના પ્રમુખ, ચીફ ઓફિસર કે અન્ય કોઈ સભ્યો હાજર નહિ મળતા આક્રોશિત મહિલાઓએ ભારે હોબાળો મચાવ્યો હતો.
ઈન્દિરા નગર મુખ્યત્વે શ્રમજીવી પરિવારજનોનો છે. જેઓ છુટક મજુરી કરી ગુજરાન ચલાવે છે. મહિલાઓના જણાવ્યા મુજબ વિસ્તારમાં દર બે-ત્રણ દિવસે અતિ અલ્પ પ્રમાણમાં પાણી આવે છે. સાફસફાઇ નિયમિત થતી નથી. અને કચરો લેવા માટે કોઈપણ ગાડી પણ આવતી નથી. ચોમાસા દરમિયાન રસ્તાઓ પર પાણી ભરાઇ જવાના કારણે ધરોમાં પાણી ભરાઈ જાય છે. જેથી અનાજ અને ધરવખરીના સામાનને નુકસાન પહોંચે છે. ભરાયેલા પાણી પર દવાનો છંટકાવ નહિ થતાં રોગચાળાનો ભય સતાવી રહ્યો છે. મહિલાઓએ આક્ષેપ કર્યો હતો કે, અમે સામાન્ય નાગરિક હોવાથી પાલિકા તંત્રને અમારી કોઈ પરવા જ નથી. આ પાયાના પ્રશ્ર્નો અંગે અગાઉ પણ વારંવાર રજુઆતો કરવા છતાં નગરપાલિકા દ્વારા કોઇ ઉકેલ લાવવામાં ન આવતા સ્થાનિકોમાં ભારે અસંતોષ વ્યાપ્યો છે.