‘તારી પત્ની ભાગી ગઈ’ કહી ટિપ્પણીઓ કરતાં મિત્રની નિર્દયતાથી હત્યા કરવામાં આવી

સુરતના પાંડેસરા વિસ્તારમાં બનેલી હત્યાની ગંભીર ઘટનાનો ભેદ સુરત શહેર ક્રાઈમ બ્રાંચે ગણતરીના કલાકોમાં ઉકેલી બે આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓએ પત્ની અંગે મશ્કરી અને અભદ્ર ટિપ્પણીને લઈને થયેલા ઝઘડામાં મિત્રની નિર્દયતાથી હત્યા કરી હોવાનો ખુલાસો પોલીસ તપાસમાં થયો છે.

પાંડેસરા ગંગાબા ફાર્મ નજીક ઇચ્છાપૂર્તિ મહાદેવ ધામ સામે મન્ટુ રામબિલાશ ઠાકુરની માથા અને ચહેરાના ભાગે લોખંડના પાઇપ વડે જીવલેણ હુમલો કરીને હત્યા કરવામાં આવી હતી. આ મામલે મૃતકના મિત્ર રાજેન્દ્ર યાદવે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સુરત શહેર ક્રાઈમ બ્રાંચે તપાસ હાથ ધરી હતી. ખાનગી બાતમી અને ટેક્નિકલ માહિતીના આધારે પોલીસે વિજય બહાદુર શ્રીવાસ અને બ્રીજેશ કહાર સુધી પહોંચ મેળવી બંને આરોપીઓને ઝડપી પાડ્યા હતા. બંને આરોપીઓ પાંડેસરા વિસ્તારમાં મજૂરી કામ કરતા હોવાનું પણ સામે આવ્યું છે.

પ્રાથમિક પૂછપરછ દરમિયાન આરોપીઓએ જણાવ્યું હતું કે, પત્ની અંગે મશ્કરી અને અપમાનજનક ટિપ્પણીને લઈને મૃતક સાથે ઉગ્ર બોલાચાલી થઈ હતી. બાદમાં બંને આરોપીઓ મન્ટુને એકાંત સ્થળે લઈ ગયા હતા, જ્યાં લોખંડના પાઇપ વડે માથા અને ચહેરા પર હુમલો કરતા તેનું મોત નીપજ્યું હતું.

પોલીસના જણાવ્યા અનુસાર, પૂછપરછ દરમિયાન બંને આરોપીઓએ ગુનાની કબૂલાત કરી હોવાનું સામે આવ્યું છે. હાલ બંને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ પાંડેસરા પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.