
૩ ઓગસ્ટ, ૨૦૨૬ ના રોજ બપોરે ૧ વાગ્યે રામપુરાની મોડેલ સ્કૂલ ખાતે ‘નારી વંદન ઉત્સવ’ અંતર્ગત ’બેટી બચાવો, બેટી પઢાઓ’ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ગોધરા જીલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા આયોજીત આ કાર્યક્રમ જીલ્લા મિશન કોઓર્ડિનેટર મહેશભાઈ કામરોલિયાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.

આ પ્રસંગે જાંબુઘોડા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. ચુડાસમા અને તેમનો પોલીસ સ્ટાફ, ‘સી-ટીમ’નો મહિલા સ્ટાફ, પોલીસ સ્ટેશન બેઝ્ડ સપોર્ટ સેન્ટર (મહિલા સહાયતા કેન્દ્ર)નો સ્ટાફ, સખી વન સ્ટોપ સેન્ટરના સંચાલક તેમજ તાલુકા સત્તામંડળના નઝીબેન રાઠવા ઉપસ્થિત રહ્યા હતા. શાળાના પ્રિન્સિપાલ, શિક્ષકગણ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓ પણ હાજર રહી હતી.

કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોએ વિદ્યાર્થીનીઓને ‘વ્હાલી દીકરી યોજના’ જેવી મહિલાલક્ષી વિવિધ કલ્યાણકારી યોજનાઓ વિશે માહિતી આપી હતી. આ ઉપરાંત, આપાતકાલીન હેલ્પલાઇન નંબર ૧૧૨ અને ૧૦૮ ની સેવાઓ અંગે પણ વિગતવાર જાણકારી આપી જાગૃત કરાયા હતા.
આ ઉજવણીના ભાગપે, શાળામાં અભ્યાસ અને પરીક્ષામાં પ્રથમ ક્રમાંક મેળવનાર તેમજ રમત-ગમત ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીનીઓને ઇનામ વિતરણ કરીને પ્રોત્સાહિત કરવામાં આવી હતી. કાર્યક્રમના અંતે, શાળાના શિક્ષક રાહુલભાઈએ ઉપસ્થિત તમામ અતિથિ વિશેષો, સ્ટાફગણ અને વિદ્યાર્થીઓનો આભાર માન્યો હતો.