પંચમહાલના હડફ ડેમમાંથી નદીમાં ૬૨૩ ક્યુસેક પાણી છોડાતા હડફ નદી બે કાંઠે વહેતી થઈ , ૬ ગામોને હાઇ એલર્ટ

હડફ ડેમનું રૂલ લેવલ જાળવવા ૦.૫ ફૂટ ગેટ ખોલાયો; ૬૨૩ ક્યુસેક પાણી નદીમાં ઠલવાયું

પંચમહાલ જિલ્લામાં ચોમાસાની ઋતુ જામતાની સાથે જ જળાશયોમાં નવા નીરની આવક થઈ હતી. ઉપરવાસમાંથી સતત થઈ રહેલી પાણીની આવકને પગલે મોરવા હડફ તાલુકામાં આવેલા હડફ ડેમની સપાટીમાં ઉત્તરોત્તર વધારો નોંધાઈ રહ્યો હતો.ડેમનું રૂલ લેવલ જાળવી રાખવા માટે એક ગેટ અડધો ફૂટ ખોલીને નદીમાં ૬૨૩ ક્યુસેક  પાણી છોડાયું હતું.

પંચમહાલના હડફ ડેમમાંથી નદીમાં ૬૨૩ ક્યુસેક પાણી છોડાતા હડફ નદી બે કાંઠે વહેતી થઈ હતી.ચોમાસાની ઋતુમાં હડફ ડેમમાં પાણીની સતત આવક થતાં, ડેમનું રૂલ લેવલ જાળવી રાખવા માટે તંત્ર દ્વારા શનિવારની  બપોરે ડેમનો ૧ ગેટ ૦.૫ ફૂટ સુધી ખોલવામાં આવ્યો હતો.

પાણી છોડાવાના કારણે હડફ નદીમાં ઘોડાપૂર જેવા દ્રશ્યો સર્જાયા હોવા સાથે નદી  બંને કાંઠે વહેતી થઈ  હતી. જેના લીધે મોરવા હડફ તાલુકાના નદી કાંઠે આવેલા નીચાણવાળા ગામો પર પૂરનું જોખમ વધતા સ્થાનિક તંત્ર દ્વારા હાઇ એલર્ટ જાહેર કરી દેવાયું હતું.તંત્ર દ્વારા ખાનપુર, મોરવા, માતરીયા, ડાંગરીયા, કડાદરા અને કુવાઝર સહિતના ગામોના લોકોને  નદીના પટમાં ન જવા અને પોતાના પશુધનને સુરક્ષિત સ્થળે ખસેડી લેવા માટે કડક અપીલ કરી હતી.હાલમાં સિંચાઈ વિભાગ અને વહીવટી તંત્ર દ્વારા હડફ ડેમની ઉપરવાસની આવક અને નદીના જળસ્તર પર રાઉન્ડ ધ ક્લોક  સતત નજર રાખવામાં આવી રહી છે. જો ઉપરવાસમાંથી પાણીની આવકમાં વધુ વધારો થશે તો તબક્કાવાર ગેટ વધુ ખોલવામાં આવી શકે છે.