છોટાઉદેપુર નગરપાલિકાની સામાન્ય સભામાં નગરપાલિકાના મિટીંગ હોલ ખાતે પાલિકાના ઈન્ચાર્જ પ્રમુખ પરવેઝ મકરાણીના અધ્યક્ષ સ્થાને મળી હતી. જેમાં પાલિકાના ૨૮ સભ્યમાંથી પ્રમુખ મંજુલાબેન કોલીનો દાખલો અને સભ્યપદ રદ્દ થયુ હોય તેઓ હાઈકોર્ટમાં કાનુની લડત આપી રહ્યા હોવાથી હાજર રહ્યા ન હતા. પાલિકાની સભામાં ૧૧ સભ્યો હાજર રહ્યા ન હતા.
પાલિકામાં હાલમાં સત્તાધારી જુથ પાસે ભાજપના ૭ સભ્યો ચુંટાયા બાદ ભાજપનો ખેસ ધારણ કરેલા ૮ સભ્ય અને અન્ય ૨ સભ્યનુ સંખ્યાબળ મળી કુલ ૧૬ સભ્યો થાય છે. અન્ય એક જુથમાં ભાજપનો ૧ સભ્યો હોવાની ચર્ચા છે. ભાજપસામે ચુંટાયેલા ૪ સભ્ય, ૨ અપક્ષ તથા બસપાના ૪ સભ્ય થઈ કુલ ૧૧ સભ્યોનુ જુથ કોઈ કારણે હાલમાં સત્તાધારી જુથથી અલગ ચાલી રહ્યુ છે. જે લોકો બસપાના મીનાબેન રાઠવાને પાલિકા પ્રમુખ બનાવવા માંગે છે. આ સભામાં કોઈપણ વિરોધ વગર એજન્ડાના તમામ કામો સર્વ સંમતિથી મંજુર થયા હતા. સભામાં નગરજનોનો સંદેશો આપતા ઈન્ચાર્જ પ્રમુખ પરવેઝ મકરાણીએ જણાવ્યુ હતુ કે, અમો કોઈપણ ભેદભાવ વગર તમામ ૨૮ સભ્યોના બધા જ કામો કરીએ છીએ. એટલે કોઈ સભ્યો પોતાના મતદારોને એવુ કહે કે, અમારા કામો થતા નથી તો એ વાત ખોટી છે. સત્તાધારી જુથ તરફથી ૧૧ સભ્યોના જુથના મુખ્ય લોકોને પાલિકામાં સાથે રહી કામ કરવા માટે પણ કહ્યુ છે. પાલિકાના પ્રમુખ નકકી કરવાનુ કામ પાર્ટીના વડીલો, સાંસદ સભ્ય તથા ધારાસભ્ય અને સંકલન સમિતિનુ છે. કોઈ સભ્યોનુ નથી. સભ્યોએ તો ફકત પાર્ટીના આદેશ મુજબ વોટ આપવાનો હોય છે.