નસવાડીના કાડકોચ ગામ પ્રા.શાળાનુ નિર્માણ કાર્ય બે માસથી બંધ : કોન્ટ્રાકટરને બે નોટિસ અપાઈ

નસવાડી તાલુકાના કાડકોચ ગામે ધો.-૧ થી ૫ ની પ્રા.શાળાના નવા મકાનનુ નિર્માણ કાર્ય છેલ્લા બે મહિનાથી બંધ હોવાથી ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. બીજી તરફ છેલ્લા બે વર્ષથી ગામની પ્રા.શાળા ખેડુતના મકાનમાં ચલાવવામાં આવી રહી છે. જયાં વિદ્યાર્થીઓને મુળભુત સુવિધાઓના અભાવે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર કાડકોચ ગામની પ્રા.શાળામાં ૫૦થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. જુનુ શાળા મકાન જર્જરિત બનતા શાળાને તાત્કાલિક ધોરણે ગામના એક ખેડુતના મકાનમાં ખસેડવામાં આવી હતી. ત્યારબાદ સર્વ શિક્ષા અભિયાન હેઠળ આશરે ‚.૩૦ લાખના ખર્ચે નવા શાળા મકાનના નિર્માણ માટે જુનાગઢની કે.એમ.આડોદરા એજન્સીને જાન્યુઆરી માસમાં વર્કઓર્ડર આપવામાં આવ્યો હતો. જોકે કામ પુર્ણ કરવાની સમય મર્યાદા પુરી થવામાં હવે માત્ર એક મહિનો જ બાકી હોવા છતાં બાંધકામ કામ પુર્ણ થયુ નથી. છેલ્લા બે મહિનાથી એજન્સીએ કામગીરી સંપુર્ણપણે બંધ કરી દીધી હોવાનુ ગ્રામજનોનુ કહેવુ છે. હાલમાં વિદ્યાર્થીઓ એક જ ‚મમાં અભ્યાસ કરવા મજબુર બન્યા છે. ત્યાં શોૈચાલય, પીવાના શુદ્ધ પાણી સહિતની મુળભુત સુવિધાઓ ઉપલબ્ધ નથી. પરિણામે આદિવાસી વિસ્તારના વિદ્યાર્થીઓને અત્યંત મુશ્કેલી પડી રહી છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે, અન્ય જિલ્લાની એજન્સીને કામ સોંપવામાં આવે છે પરંતુ તેઓ સમયસર કામગીરી પુર્ણ કરતી નથી. જેના કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. આ સમગ્ર મામલે સર્વ શિક્ષા અભિયાન વિભાગના એન્જિનીયરે કોન્ટ્રાકટરની ધીમી કામગીરીને લઈને બે વાર નોટિસ ફટકારી હોવાનુ જાણવા મળ્યુ છે. તેમ છતાં કામગીરીમાં કોઈ ગતિ ન આવતા ગ્રામજનોમાં અસંતોષ ફેલાયો છે.