હાલોલ પંચરત્ન હોટલમાં મોડીરાતે જમવાનુ ન મળતા સ્કોર્પિયો સવારોએ હોટલમાં તોડફોડ બાદ લુંટ મચાવી

હાલોલ નગરમાં મોડીરાતે જ્યોતિસર્કલ નજીક હાઈવે પર આવેલી પંચરત્ન રેસ્ટોરન્ટ હોટલમાં ૫ માથા ભારે યુવકોએ ભારે આતંક મચાવ્યાની ચકચારી ધટના સામે આવી છે. હોટલ બંધ કરવા સમયે જમવાનુ કેમ નથી બનાવતા તે બાબતે થયેલી તકરાર બાદ યુવકોએ ઉશ્કેરાઈ હોટલમાં તોડફોડ કરી, રોકડ, લેપટોપ સહિત સામાનની લુંટ ચલાવી હતી. એટલુ જ નહિ, હોટલના માલિક પર ફિલ્મી ઢબે કાર ચઢાવી દેવાનો પ્રયાસ પણ કર્યો હોવા સહિતની આતંક મચાવતી ધટના હોટલના સીસીટીવીમાં કેદ થઈ છે.

મોડીરાતે ૫ જેટલા યુવકો સ્કોર્પિયો ગાડીમાં સવાર થઈ હાલોલ-ગોધરા રોડ પર જ્યોતિસર્કલ નજીક આવેલ પંચરત્ન હોટલ પર પહોંચ્યા હતા. શ‚આતમાં અંદરોઅંદર ઝધડો કરી પોતાની કારના કાચ તોડીને બાદ હોટલમાં જમવાનુ પુછ્યુ પરંતુ હોટલ બંધ કરવાના સમયે યુવકોએ જમવાનુ કેમ નથી તે મુદ્દે હોટલના સંચાલક અને યુવકો વચ્ચે બોલાચાલી થતાં મામલો ઉગ્ર બન્યો હતો. ત્યારબાદ હુમલાખોરોએ હોટલના ગ્રાહકોને લાફાવાળી કરી હોટલમાં ધુસીને ખુરશીઓ, ટેબલો, કાચ સહિતના સામાનમાં તોડફોડ કરી હતી. હોટલના કર્મચારીઓને પણ ધમકાવી રોકડ રકમ અને લેપટોપ સામાન લઈ જતાં સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. કબાટમાં મુકેલ પાકિટમાં હોટલનો ૧૫ દિવસનો આશરે બે લાખનો વકરો હતો જે લુંટી ગયા હોવાનુ જાણવા મળી રહ્યુ છે. ધટના બાદ હોટલના માલિકે યુવકોને રોકવાનો પ્રયાસ કરતા યુવકોએ તેમની તરફ કાર દોડાવી કચડી નાંખવાનો પ્રયાસ કર્યો હતો. જોકે માલિક સમયસર બચી જતાં મોટી જાનહાનિ ટળી હતી. આ ધટનાને પગલે હાલોલ શહેર તેમજ આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. સ્થાનિક વેપારીઓ અને હોટલ સંચાલકો દ્વારા આવી અસામાજિક પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરવા માટે અને રાત્રિના સમયે વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ વધારવાની માંગ ઉઠવા પામી છે.