દાહોદ લોકસભા વિસ્તારમાં NH-૪૭ પર અકસ્માતો રોકવા સાંસદ જસવંતસિંહ ભાભોરની મોટી રજૂઆતઃ

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને પત્ર લખી ઓવરબ્રિજ અને સર્કલ મંજૂર કરવા કરી માંગ

દાહોદ લોકસભા વિસ્તારમાંથી પસાર થતા નેશનલ હાઈવે-૪૭ (NH-૪૭) પર સતત વધી રહેલા ટ્રાફિક અને જનસુરક્ષાને ધ્યાનમાં રાખીને સાંસદ જસવંતસિંહ ભાભોરે કેન્દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીને એક મહત્વનો પત્ર લખીને રજૂઆત કરી છે. જેમાં હાઈવેના સૌથી સંવેદનશીલ એવા  મુખ્ય પોઈન્ટ્સ પર ઓવરબ્રિજ અને મોટા સર્કલના નિર્માણ કાર્યોને તાત્કાલિક સૈદ્ધાંતિક તેમજ નાણાકીય મંજૂરી આપવા માટે ભારપૂર્વક વિનંતી કરવામાં આવી છે.સાંસદ જસવંતસિંહ ભાભોરે પત્રમાં જણાવ્યું છે કે, નેશનલ હાઈવે-૪૭ પર આશરે ૨.૦૦ કિલોમીટરના એક ચોક્કસ વિસ્તારમાં સ્થાનિક તેમજ ભારે વાહનોનું ભારણ ખૂબ જ વધારે રહે છે. આ હાઈવે અલાઈનમેન્ટ સાથે મુખ્ય ૫ ગ્રામ્ય અને શૈક્ષણિક/તબીબી સંસ્થાઓના સંપર્ક. માર્ગો સીધા જોડાય છે. જ્યાં રોજેરોજ ભારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય છે અને અકસ્માતોનો ભય સતત તોળાતો રહે છે.

આ મુખ્ય ક્રોસિંગ/પોઈન્ટ્સ પર ઓવરબ્રિજ અને સર્કલ બનાવવાની માંગ ૧. ગમલા ગામે તરફ જતો રસ્તો (MDR)૨. બોરખેડા ગામ તરફ જતો રસ્તો (MDR) ૩. ચંદવાણા ગામ તરફ જતો રસ્તો (MDR)૪. પુસરી એપ્રોચ રોડ (BR)પ.મુવાલીયા ક્રોસિંગ (જેની એક તરફ એગ્રીકલ્ચર કોલેજ અને બીજી તરફ ઝાયડસ મેડિકલ કોલેજ આવેલી છે)ખાસ કરીને મુવાલીયા ક્રોસિંગ વિસ્તારમાં મેડિકલ અને એગ્રીકલ્ચર કોલેજો હોવાના કારણે વિદ્યાર્થીઓ, દર્દીઓ અને સ્થાનિક નાગરિકોની અવરજવર ખૂબ

મોટી સંખ્યામાં રહે છે. સુરક્ષિત ક્રોસિંગના અભાવે આ તમામ સ્થળો પર અગાઉ અનેક ગંભીર અકસ્માતો સર્જાયા છે અને જનહાનિ પણ થઈ છે.સ્થાનિક જનતા, વિદ્યાર્થીઓ અને દર્દીઓની સુરક્ષાને સર્વોપરી ગણીને સાંસદ જસવંતસિંહ ભાભોરે કેન્દ્રીય મંત્રીને આ પાંચેય પોઈન્ટ્સની ગંભીરતા સમજીને અકસ્માતો અટકાવવા માટે ઓવરબ્રિજ તથા સર્કલના કામો વહેલી તકે મંજૂર કરવા નમ્ર અપીલ કરી છે. આ સુવિધા ઉપલબ્ધ થવાથી દાહોદ પંથકના વાહનચાલકો અને ગ્રામજનોને ટ્રાફિકની સમસ્યામાંથી કાયમી મુક્તિ મળશે અને મુસાફરી વધુ સુરક્ષિત બનશે.